ધરતી પર લેખાતા ભગવાન ભગવાનના શરણે… દાહોદ:સરકારી તબીબોએ પોતાની માંગણીઓ સંતોષવા કેદારનાથ મહાદેવને અરજી કરી !

દાહોદ તા.25

દાહોદ જિલ્લામાં સરકારી વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટર્સની પડતર માંગણીઓ ન સંતોષાતા આજથી તેઓ હડતાળ પર ઉતરી જતાં આરોગ્યસેવા ખોરંભે પડી છે.કેટલીયે વાર રજૂઆતો કરવા છતાં સરકારના પેટનું પાણી હાલતુ ન હોવાથી આજે જિલ્લાના તબીબ એસોસીએશનના હોદ્દેદારોએ દાહોદ નજીક સુપ્રસિધ્ધ કેદારનાથ મહાદેવને પણ અરજી કરી છે.આમ ધરતી પરના ભગવાન લેખાતા ડોક્ટર પણ ભગવાનના શરણે જવા મજબૂર થયા છે.ગુજરાતમાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા સરકારી ઇન સર્વિસ તબીબો પોતાની 12 જેટલી માંગણીઓ પુરી કરવા સરકાર સામે છેલ્લા કેટલાયે સમયથી રજૂઆત કરી રહ્યા છે, તેમજ ગાંધી ચિંધ્યો માર્ગ પણ અપનાવી ચુક્યા છે.18 મે 2021થી આ સિલસિલો ચાલી રહ્યો છે.ત્યાર બાદ તારીખ 31 મે.2021 ના રોજ આરોગ્ય વિભાગના અગ્ર સચિવ સાથે સમાધાન સધાયુ હતુ કારણ કે સરકારે તેમની માંગણીઓ ટુંક સમયમાં જ પૂર્ણ કરવા આશ્વાસન આપવામાં આવ્યુ હતુ.તેમ છતાં આજ દિન સુધી તેની કોઇ જાહેરાત ન કરી સરકારે લોલીપોપ આપી છે.તારીખ 19 જૂન,2021ના રોજ ઇન સર્વિસ તબીબોના એસોસીએશનની વર્ચ્યુઅલ બેઠક મળી હતી.જેમાં સર્વાનુમતે ઠરાવવામાં આવ્યુ હતુ કે સરકારે કોઇ માંગણી ન સ્વીકારી હોવાથી તારીખ 25 જૂનથી અચોક્કસ મુદતની હડતાળ પાડવામાં આવશે.જેની જાણ સરકારને કરી હોવા છતાં સરકારે નમતું ન જોખતાં દાહોદ જિલ્લાના 175 સરકારી ડોક્ટર્સ સહિત ગુજરાતના તમામ ડોક્ટર્સ હડતાળ પર ઉતરી ગયા છે.દાહોદ જિલ્લામાં કોરોના કાળમાં મોતને મુઠ્ઠીમાં રાખી લોકોને બચાવવા માટે દિવસ રાત ઝઝુમતા ડોક્ટર્સ હવે આકરાં પાણીએ હોય તેમ લાગી રહ્યુ છે.કારણ કે જિલ્લાના સિવિલ સર્જન સહિત તમામ વર્ગ-1ના તબીબો પણ હડતાળમાં જોડાઇ ગયા છે.કેટલીયે વખત માંગણીઓ કરવા છતાં સરકારના બહેરા કાને કંઇ સંભળાતુ ન હોવાનુ લાગતાં હવે ડોક્ટર્સે પણ આખરી રસ્તો અપનાવ્યો છે.તબીબોનુ એક પ્રતિનિધિ મંડળ આજે દાહોદ પાસે આવેલા સુપ્રપ્સિધ્ધ અને પ્રાચીન કેદારનાથ મહાદેવજીના મંદિરે પહોંચ્યુ હતુ.તેમણે તેમની માંગણીઓની એક અરજી કેદારનાથ ભગવાનને પણ આપી તેને સત્વરે પૂર્ણ કરવા પ્રાર્થના કરી હતી.ઇન સર્વિસ ડોક્ટર્સના ગુજરાત એસોસિએશન દ્રારા પણ આ પહેલાં જ સોમનાથ મહાદેવજીને પણ અરજી કરી છે.જેમાં જણાવ્યુ છે કે તારીખ 25 જૂનના રોજ મુખ્યમંત્રી આપના દર્શને આવવાના હોય તો તેમના હ્રદય સુધી અમારી વ્યથા પહોંચાડશો.કારણ કે અત્યાર સુધી પ્રલોભનો જ મળ્યા છે ત્યારે હવે સરકાર અમારી વ્યાજબી માંગણીઓનો સ્વીકાર કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: