રાજય સરકાર દ્વારા કોરોના સંક્રમણ સંદર્ભે જાહેર કરાયેલા નિયંત્રણોને અનુસંધાને દાહોદ કલેક્ટરશ્રીએ જિલ્લામાં નિયંત્રણો મૂકયા : વાણિજ્યક પ્રવૃતિઓ સાથે સંકળાયેલા તમામ દુકાનદારો, વ્યવસાયિકો, લારી-ગલ્લા ચલાવનારે આગામી તા. ૧૦ જુલાઇ સુધીમાં કોવીડ વેક્સિન લેવાની રહેશે
દાહોદ તા.૨૫
રાજય સરકાર દ્વારા કોરોના સંક્રમણને ધ્યાને રાખીને તા. ૨૫ જુનના રોજ મુકવામાં આવેલા નિયંત્રણોને અનુસંધાને દાહોદના જિલ્લા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ એક જાહેરનામા દ્વારા સમગ્ર દાહોદ જિલ્લામાં લાગુ પડે તે રીતે નિયંત્રણોનો આદેશ કર્યો છે.
જાહેરનામા મુજબ તમામ દુકાનો, વાણિજ્ય સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિગ કોમ્પલેક્ષ, માર્કેટિગ યાર્ડ, હેર કટીગ સલૂન, બ્યુટી પાર્લર, રેસ્ટોરન્ટસ, અઠવાડિક ગુજરી-બજાર-હાટ તેમજ વાણિજ્યક પ્રવૃતિઓ સાથે સંકળાયેલા માલિકો, સંચાલકો, કર્મચારીઓએ આગામી તા. ૧૦ જુલાઇ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. અન્યથા આવા એકમ ચાલુ રાખી શકાશે નહી.
જીમ ૬૦ ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. તેમજ માલિકો-સંચાલકો સહિતના તમામ સ્ટાફે આગામી તા. ૧૦ જુલાઇ સુધીમાં ફરજીયાત વેક્સિન લેવાની રહેશે. જાહેર બાગબગીચાઓ રાત્રીના ૯ વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. લગ્ન માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી સાથે મહત્તમ ૧૦૦ વ્યક્તિની મંજૂરી રહેશે. અંતિમવિધીમાં ૪૦ વ્યક્તિની મંજૂરી રહેશે.
તમામ પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમોમાં કોરોનાના નિયત નિયમોના પાલન સાથે મહત્તમ ૨૦૦ વ્યક્તિની મર્યાદા રહેશે. પરંતુ બંઘ સ્થળોએ જગ્યાના ૫૦ ટકા વ્યક્તિઓ એકત્ર થઇ શકશે.
IELTS- TOEFEL જેવી પરીક્ષાઓ કોરોનાના નિયત નિયમો સાથે યોજી શકાશે.
વાંચનાલયો ૬૦ ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. તેમાં પણ માલિકો-કર્મચારીઓએ વેક્સિનનો પ્રથમ ડોઝ ઉક્ત સમય સુધીમાં લેવાનો રહેશે.
પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ ૭૫ ટકા મુસાફરોની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.
પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટસ કોમ્પલેક્ષ-સ્ટેડિયમ, રમતગમત સંકુલ ચાલુ રાખી શકાશે. રમતગમતમાં ભાગ લેનાર ખેલાડીઓ સહિત તમામ સ્ટાફે ઉક્ત સમય સુધીમાં વેક્સિન લેવાની રહેશે.
સિનેમા, થિયેટરો, ઓડિટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો, ૫૦ ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.
શૈક્ષણિક સંસ્થાઓ, કોચિંગ સેન્ટરો, વોટર પાર્ક, સ્પા, સ્વિમિંગ પુલ બંઘ રહેશે.
ઉક્ત આદેશમાં જેમને ફરજીયાત વેક્સિન લેવાનું જણાવવામાં આવ્યું છે તેઓ કોરોના પોઝિટિવ આવ્યા હોય તેમણે હોસ્પીટલથી ડિસ્ચાર્જ મેળવ્યાની તારીખથી ૯૦ દિવસ બાદ તુરત જ વેક્સિન લેવાની રહેશે.
અન્ય રાજયમાંથી ગુજરાતમાં પ્રવેશતા મુસાફરો માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલા સૂચનો લાગુ રહેશે.
આ જાહેરનામું તા. ૨૬ જુનથી સવારના ૬ વાગ્યાથી આગામી તા. ૧૦ જુલાઇ સવારના ૬ વાગ્યા સુધી અમલમાં રહેશે.