દાહોદ જિલ્લામાં કોરોનાકાળમાં શિક્ષણની સ્થિતિની સમીક્ષા કરતા શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા : જિલ્લામાં ફળિયે ફળિયે જઇને શિક્ષણ પહોંચાડતા શિક્ષકોની મંત્રી શ્રી ચૂડાસમાએ પ્રશંસા કરી
દાહોદ તા.૨
શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આજે દાહોદ જિલ્લાની મુલાકાત લીધી હતી અને જિલ્લાના શિક્ષણ વિભાગ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી કોરોનાકાળમાં જિલ્લામાં શિક્ષણની સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે જિલ્લાના પ્રાથમિક શિક્ષકો દ્વારા ફળિયા શિક્ષણની પહેલની પ્રશંસા કરી હતી અને માધ્યમિક શિક્ષકોને તેમનામાંથી પ્રેરણા લેવા જણાવ્યું હતું.
મંત્રી શ્રી ચૂડાસમાએ બેઠકમાં જણાવ્યું કે, દોઢેક વર્ષથી કોરોનાને કારણે પ્રત્યક્ષ શિક્ષણની કામગીરી ખોરંભે પડી છે. ઓનલાઇન શિક્ષણ એ અત્યારના સમયનો વિકલ્પ છે, પરંતુ તેમાં પ્રત્યક્ષ શિક્ષણ જેવી આત્મીયતા નથી. તેમાં પણ ભોગૌલિક પ્રતિકુળતા ધરાવતા દાહોદ જિલ્લામાં ઓનલાઇન શિક્ષણ મૂશ્કેલ છે ત્યારે અહીંના પ્રાથમિક શિક્ષકોએ ફળિયા શિક્ષણની પહેલ કરીને ખૂબ સુંદર કામગીરી કરી રહ્યાં છે. કોઇ પણ આદેશ વિના સ્વપ્રેરણાથી શિક્ષકો દ્વારા કરવામાં આવી રહેલા વિવિધ પ્રયોગો પશંસાને પાત્ર છે.
તેમણે જણાવ્યું કે, રાજયમાં શિક્ષણ ઉત્તરોઉત્તર પ્રગતિના નવા શિખરો સર કરી રહ્યું છે. આપણે માળખાકીય સુવિધાઓ, શિક્ષકોની સંખ્યા, શિક્ષણની ગુણવત્તા, નિયમિતતા વગેરે માપદંડોમાં ખૂબ સારૂં પ્રદર્શન કર્યું છે. તેને વધુ ઉચ્ચ સ્તરે લઇ જવાની જવાબદારી શિક્ષકોની જ છે. શિક્ષકોને વ્યક્તિનિર્માણનું કામ કરવાનું છે. કોરોનાના સમયે પણ શિક્ષણકાર્ય અટક્યું નથી. વિદ્યાર્થીઓને શિક્ષિત કરવા માટેની ધગશ શિક્ષકમાં હોવી ખૂબ જરૂરી છે. આવા સમયમાં આ ધગશ જ શિક્ષણ માટેના નવા માર્ગ શિક્ષકને દેખાડે છે.
બેઠકમાં મંત્રી શ્રી ચૂડાસમાએ જિલ્લામાં ઓનલાઇન શિક્ષણની કામગીરીની સફળતા, બ્રીજ કોર્સનું સાહિત્ય તેમજ કામગીરી, ફળિયા શિક્ષણ, શિક્ષકોની હાજરી, સ્કુલ ઓફ એકસીલન્સ, નવી મંજૂર થયેલી શાળાઓ, વિદ્યાર્થીઓને પાઠયપુસ્તક મળી ગયા છે કે કેમ વગેરે બાબતો વિશે વિશદ સમીક્ષા કરી હતી.
જિલ્લામાં ફળીયે ફળીયે જઇને શિક્ષણ વિદ્યાર્થીઓ સુધી પહોંચતું કરતા દાહોદના પજ્ઞાચક્ષુ શિક્ષક શ્રી હેતલકુમાર કોઠારીનું મંત્રી શ્રી ચૂડાસમાએ આ પ્રસંગે વિશેષ સન્માન કર્યું હતું.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમાર, જિલ્લા શિક્ષણ ભવન પ્રાચાર્ય શ્રી એસ.વી. રાજશાખા, જિલ્લા શિક્ષણાધિકારી સુ શ્રી કાજલ દવે, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મયુર પારેખ, જિલ્લા નિરંતર શિક્ષણાધિકારી સુ શ્રી સુનિતાબેન સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

