૩૦થી વધુ લોકો ઘાયલ, ૨૫ લોકોને ફેક્ટરીની છત પરથી બચાવાયા : બાંગ્લાદેશમાં ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા ૫૨ લોકો જીવતા ભડથું


આ ફેક્ટરીમાં નૂડલ્સ, ફ્રૂડ જ્યુસ અને કેન્ડી બનાવવામાં આવતી હતી, ત્રીજા માળે લાગેલી આગ જાેતજાેતાંમાં છઠ્ઠા માળે પહોંચી

(જી.એન.એસ)ઢાકા,તા.૯
બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં આવેલી એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા ઓછામાં ઓછા ૫૨ લોકોનાં મોત થયા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. જાે કે, ઘટના ગુરૂવારની છે પણ શુક્રવારે આ સમાચાર સામે આવ્યાં છે. પ્રાપ્ત વિગતો મુજબ, નારાયણગંજના રૂપગંજમાં આવેલી છ માળની બિલ્ડીંગની એક ફેક્ટરીમાં આગ લાગી હતી. ઘટનાના પગલે ફાયર વિભાગ અને પોલીસ પહોંચી હતી. ફાયર વિભાગે ૫૨થી વધુ લોકોનાં મૃતદેહ પણ બહાર કાઢ્યાં છે.
બચાવ કાર્ય સાથે જાેડાયેલાં ડેપ્યુટી ડિરેક્ટર દેવાશીષ વર્ધને કહ્યું કે, બિલ્ડીંગના ચોથા માળે જ ૪૯ જેટલાં મૃતદેહ કાઢવામાં આવ્યાં છે. જે બાદ મૃતકોની સંખ્યા ૫૨ થઈ ગઈ. તેઓએ જણાવ્યું કે, મૃતદેહ એટલા બળી ગયા હતા કે તેમને ઓળખવા પણ મુશ્કેલ છે. જેથી મૃતદેહોને તેમના પરિવારજનોને સોંપવામાં પણ મુશ્કેલી પડી રહી છે. ડીએનએ તપાસ કરવાની જરૂરી પડી શકે છે.
ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યો છે. કહેવાય છે કે, આ બિલ્ડીંગમાં મોટી સંખ્યામાં જ્વલનશીલ પોલીથીન, ઘી અને અન્ય ચીજવસ્તુઓ હતી. જેના કારણે આગ વિકરાળ બની હતી. ઘટનાના પગલે મૃતકોના પરિવારના લોકોએ ઘટના સ્થળની બહાર ધરણાં કર્યા છે. તો સ્થિતિ પર કાબૂ મેળવવા પોલીસબળને તૈનાત કરવામાં આવ્યું છે.
દેવાશીષ વર્ધને કહ્યું કે, હજુ પણ બચાવ કામગીરી ચાલી રહી છે અને મૃત્યુઆંક વધવાની આશંકા છે. અન્ય એક અધિકારીએ જણાવ્યું કે દરેક ફ્લોર પર ૩૫ હજાર વર્ગફૂટનો વિસ્તાર છે પરંતુ બે જગ્યાએ જ સીઢીઓ છે. જેના કારણે આગ જ્યારે સીઢીઓ પર ફેલાઈ ત્યારે લોકો બહાર નીકળી શક્યાં નહીં અને ત્યાં જ બળીને રાખ થઈ ગયા. દરેક ફ્લોર પર નાના નાના રૂમ પણ છે. ધુમાડાના કારણે રાહત અને બચાવ કામગીરીમાં અડચળ પડી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: