દાહોદ જિલ્લામાં મહિલા સુરક્ષા સમિતિઓ દ્વારા નારી જાગૃતિ ઝૂંબેશનો આરંભ : ઘરેલું હિંસા, જાતીય સતામણી સહિતની બાબતો અંગે કાનૂની પ્રાવધાનોની મહિલાઓને અપાતી સમજ
દાહોદ તા.૧૭
કોમળ હદયના પ્રતીક સમી નારીઓને તેમના અધિકારો અંગે માહિતી મળે એ માટે દાહોદ જિલ્લામાં આદરવામાં આવેલા મહિલા સુરક્ષા સમિતિ હેઠળના અભિયાન અંતર્ગત આજે ટીમોએ વિવિધ ગામો ફરી મહિલાઓની મુલાકાત કરી હતી. તેમાં સામાજિક ગેરમાન્યતાઓ ત્યજીને પોતાના અધિકારો પ્રત્યે જાગૃત થવા સમજ આપવામાં આવી હતી.
દાહોદ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત પણે આ ઝૂંબેશ આદરવામાં આવી છે. કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ એક આદેશ કરીને તમામ મામલતદારોને ગામોની ફેરણી કરવા જણાવ્યું હતું. જેમાં તેમણે મહિલા સુરક્ષા સમિતિ બનાવાનું કહી ગામમાં કોવિડ પ્રોટોકલને અનુસરી નાની શિબિરો યોજવાનું જણાવ્યું હતું.
તેના અનુસંધાને આજે તાલુકા કક્ષાએ મામલતદારોની ટીમોઓએ ખાસ કરીને બોર્ડર એરિયાના ગામોની મુલાકાત લીધી હતી. આ ટીમમાં પોલીસકર્મીઓ ઉપરાંત ગ્રામ્ય કક્ષાના સરકારી કર્મયોગીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટીમ દ્વારા ઘરેલું હિંસા, જાતીય સતામણી સહિતની બાબતો અંગે કાનૂની પ્રાવધાનોની સમજ આપવામાં આવી હતી.