રાહુલ ગાંધીએ વિપક્ષી નેતાઓ સાથે સંસદથી વિજય ચોક તરફ કૂચ કરી : મોદી સરકારે લોકશાહીની હત્યા કરી : રાહુલ ગાંધીના મોદી પર પ્રહાર


ભારતના વડાપ્રધાન દેશને વેચવાનું કામ કરી રહ્યા છે, સરકાર પેગાસસ પર ચર્ચાથી ભાગી રહી છે, સરકારે ૬૦ ટકા આબાદીનો અવાજ દબાવ્યો

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૧૨
કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાને રદ કરવાની માંગ સાથે રાહુલ ગાંધી સહિતના વિપક્ષી નેતાઓએ ગુરુવારે સંસદથી વિજય ચોક તરફ કૂચ કરી હતી. કૂચ કર્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મીડિયાને કહ્યુ કે સંસદમાં સત્તાધારી દળના સાંસદોએ વિપક્ષી નેતાઓને બોલવા દીધુ નહીં. તેમણે સરકાર પર દેશની ૬૦% આબાદીનો અવાજ દબાવવાનો આરોપ લગાવ્યો.
રાહુલ ગાંધીએ કહ્યુ, સંસદ સત્ર ખતમ થઈ ચૂક્યુ છે. સ્પષ્ટ રીતે જ્યાં સુધી દેશના ૬૦% ભાગની વાત છે તો તેમના માટે કોઈ સંસદ સત્ર હતુ નહીં કેમ કે ૬૦% લોકોનો અવાજ દબાવી દેવાયો. તેમને હેરાન કરવામાં આવ્યા અને રાજ્યસભામાં તેમની સાથે ગેરવર્તણૂક કરવામાં આવી. અમે પેગાસસનો મુદ્દો ઉઠાવ્યો, અમે સરકાર સાથે આ મુદ્દે ચર્ચા કરવાની માગ કરી. સરકારે પેગાસસ પર ચર્ચા કરવાનો ઈનકાર કરી દીધો.
રાહુલ ગાંધીએ સરકાર પર આરોપ લગાવ્યો કે વિપક્ષને સંસદમાં બોલવાથી રોકવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યુ, અમે ખેડૂતોનો મુદ્દો સંસદની બહાર ઉઠાવ્યો કેમ કે અમને સંસદમાં આની પરવાનગી મળી નહીં. અમે મોંઘવારીનો મુદ્દો પણ સંસદની બહાર જ ઉઠાવ્યો અને આજે અમે તમારી સાથે વાત કરવા આવ્યા છીએ કેમ કે સત્તાધારી દળ અમને સંસદમાં બોલવા દેતા નથી. આ દેશના લોકતંત્રની હત્યાથી ઓછુ નથી.
રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતના વડાપ્રધાન આ દેશને વેચવાનું કામ કરી રહ્યા છે, ભારતના વડાપ્રધાન ભારતના આત્માને બે-ત્રણ ઉદ્યોગપતિઓને વેચી રહ્યા છે. આથી વિપક્ષ ગૃહની અંદર ખેડૂતો, બેરોજગાર, વીમા બિલ અને પેગાસસ વિશે વાત કરી શકતો નથી.
અમે સરકારને પેગાસસ પર ચર્ચા કરવા કહ્યું પણ સરકારે ના પાડી. અમે સંસદની બહાર ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો પણ સરકારે અમારો અવાજ સાંભળ્યો નહીં.
સંસદમાં માર્શલ લો લાગુ કરવામાં આવ્યો હતોઃ સંજય રાઉત
અમે ગઈકાલે લોકશાહીની હત્યા જાેઈ, જે રીતે ગઈકાલે રાજ્યસભામાં માર્શલ પહેરેલા ખાનગી લોકોએ અમારા સાંસદો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. આ માર્શલ નહોતા, સંસદમાં માર્શલ લો લાગુ કરવામાં આવ્યો હતો.
હું કોઈને દોષ આપવા માંગતો નથીઃ દેવગૌડા
ભૂતપૂર્વ પીએમ અને જનતા દળ-સેક્યુલર (જેડીએસ) પ્રમુખ એચડી દેવગૌડાએ કહ્યું કે હું કોઈને દોષ આપવા માંગતો નથી પણ ગૃહનું કામકાજ થવું જાેઈએ. બંને પક્ષોના તમામ વરિષ્ઠ નેતાઓએ નવેમ્બરમાં આગામી સત્રમાં સંસદની કાર્યવાહી હાથ ધરવા માટે ભેગા થવું જાેઈએ.
સરકાર ચર્ચાથી ભાગી રહી છેઃ શશી થરૂર
કોંગ્રેસના સાંસદ શશી થરૂરે કહ્યું કે કેન્દ્ર સંસદની કાર્યવાહી યોગ્ય રીતે ચલાવવા માંગતી નથી. સરકાર ચર્ચા વગર કાયદાઓ પસાર કરી રહી છે. કોરોના રસીકરણ, વર્તમાન આર્થિક સ્થિતિ, બેરોજગારી, કૃષિ કાયદાઓ પર ચર્ચા થવી જાેઈએ પરંતુ સરકાર ભાગી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: