ઝાલોદ : થોડાક દિવસ અગાઉ લીલવા ઠાકોર ગામે હત્યાં કરી ફેંકાયેલી લાશનો ભેદ ઉકેલાયો : પારકી પરણેતર જોડે પ્રેમ સંબંધનો કરુણ અંજામ.. પ્રેમિકાએ પતિ જોડે મળી પ્રેમીની કરી હત્યાં
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૫
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી થી ચાકલીયા તરફ જવાના માર્ગે લીલવા ઠાકોર ગામેથી રોડની બાજુમાં એક યુવકને ક્રુરતાપુર્વક, ધારદાર હથિયારથી માર મારી મોતને ઘાટ ઉતારી લાશને ફેંકી દીધાનું ઘટનાને પગલે જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી ત્યારે આ કેસ સંબંધે એક્શનમાં આવેલ લીમડી પોલીસે આ ગુન્હાનો ભેદ ઉકેલવા માટે તપાસનો ધમધમાટ આરંભ કરતાં આ યુવકની હત્યા એક દંપતિએ કરી હોવાનું સામે આવતાં ચકચાર સાથે સ્તબ્ધતા મચી જવા પામી હતી. મૃતક યુવક અને પરણિતા વચ્ચે પ્રેમ સંબંધ હોય અને આ અંગેની જાણ પરણિતાના પતિને થઈ જતાં પરણિતા અને તેના પતિ દ્વારા યુવકને મોતને ઘાટ ઉતારવા પ્લાન બનાવ્યો હતો અને પરણિતાએ મળવાના બહાને યુવકને બોલાવી દંપતિ પાળીયા વડે ઉપરા છાપરી યુવકના શરીરે તેમજ માથાના ભાગે ઘા મારી મોતને ઘાટ ઉતારી લાશને ફેંકી દીધી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવવા પામ્યું છે.
ગત તા.૦૧.૧૦.૨૦૨૧ના રોજ ઝાલોદ તાલુકાના લીમડીના દેપાડા ગામે રહેતાં સુનિલભાઈ ઉર્ફે સાધુભાઈ જાેખનાભાઈ પરમાર (ઉ.વ.૪૦) ની લાશ લીમડી થી ચાકલીયા તરફ જવાના માર્ગે લીલવા ઠાકોર ગામની સીમના રસ્તાની બાજુમાંથી લોહીથી લથબથ હાલમાં શરીરે, ધારદાર હથિયારોની ઘા મારી હત્યા કરાયેલી લાશ સુનિલભાઈ ઉર્ફે સાધુની મળી આવી હતી અને તેની બાજુમાં તેની મોટરસાઈકલ પણ મળી આવી હતી. આ મામલે મૃતક સુનિલભાઈ ઉર્ફે સાધુભાઈ પરમારના ભાઈ અનીલભાઈ જાેખનાભાઈ પરમારે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યાં અનુસાર, સુનિલભાઈ ઉર્ફે સાધુભાઈ આગલા દિવસે એટલે કે, તારીખ ૩૦મી સપ્ટેમ્બરના રોજ રાત્રીના આઠેક વાગ્યાના સમયે ભજનમાં જાઉં છું અને ચોક પરથી માણસો લેવા આવવાના છે, તેમ કહી ઘરેથી નીકળ્યાં હતાં અને વહેલી સવાર સુધી સુનિલભાઈ ઉર્ફે સાધુભાઈ ઘરે પરત ન આવતાં પરિવારજનો દ્વારા તેમની શોધખોળ આરંભ હતી અને ઉપરોક્ત સ્થળેથી તેમની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ બાદ એક્શનમાં આવેલ લીમડી પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી આરોપીઓને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યાં હતાં. પોલીસે જુદી જુદી ટીમો બનાવી તપાસ કરતાં હતાં અને કોલ ડીટેઈલથી તપાસ કરતાં એક નંબર બંધ આવતો હતો અને છેલ્લીવાર સીમ ચાલુ થતાં તે નંબરને ટ્રેસ કરતાં આ નંબર સુનીલભાઈ ઉર્ફે સાધુભાઈના નામનું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે નેટવર્કના આધારે તપાસ કરતાં આરોપીઓનું પગેરૂં મળી આવ્યું હતું. આ મોબાઈલ ફોન વનિતાબેન કુમેન્દ્રભાઈ માનસીંગભાઈ નીનામા (રહે. કારઠ, ખેડા ફળિયું, તા. ઝાલોદ, જિ.દાહોદ) પાસે હતો. પોલીસે આ વનિતાબેન પાસે જઈ સઘન પુછપરછ સઘળી હકીકત બહાર આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
વનિતાબેન અને મૃતક સુનિલભાઈ ઉર્ફે સાધુભાઈ વચ્ચે પ્રેમ સંબંધ હતો અને સુનિલભાઈએ વનિતાબેનને મોબાઈલ ફોન આપ્યો હતો. આ અંગેની જાણ વનિતાબેનના પતિ કુમેન્દ્રભાઈ માનસીંગભાઈ નીનામાને થઈ ગઈ હતી અને દંપતિએ સાથે જીવવા માટે સુનિલભાઈનું કાસળ કાઢવાનું નક્કી કરી નાંખ્યું હતું. વનિતાબેને સુનિલભાઈને ફોન કરી મળવાના બહાને બોલાવ્યાં હતાં. આ સમયે વનિતાબેનના પતિ કુમેન્દ્રભાઈ નજીકમાં ઝાંડી ઝાંખમાં હાથમાં બે લોખંડના ધારદાર પાળીયા સાથે ઉભો હતો. સુનિલભાઈ ઉર્ફે સાધુભાઈ ત્યાં આવતાની સાથેજ ઉપરોક્ત દંપતિ સુનિલભાઈ ઉર્ફે સાધુભાઈ ઉપર ધારીયાથી તુટી પડ્યાં હતાં અને સુનિલભાઈને ઉપરા છાપરી શરીરે તેમજ માથાના ભાગે પાળીયાના ઘા મારી સ્થળપરજ મોતને ઘાટ ઉતારી નાસી ગયાં હતાં.