દિવાળીના તહેવારોનાં ઉમંગમાં સાવચેતી ના વિસરાય, ફટાકડા ફોડતી વખતે આ વાતોનું ખાસ ધ્યાન રાખો
• સેનીટાઇઝરવાળા હાથે ફટાકડા ન ફોડવા, બાળકોનું ધ્યાન રાખો
• ચુસ્ત અને કોટનનાં કપડાં પહેરો
• અડધા બળી ગયેલા ફટાકડાને કયારેય ફેંકશો કે અડકશો નહી
• વીજળીના થાંભલા અને વાયરો પાસે કયારેય ફટાકડા ન ફોડવા
દિવાળી પ્રકાશ-આનંદ-ઉત્સવનું પર્વ છે. આ દિવાળીના તહેવારોને સાવચેતી સાથે ઉજવીએ અને પોતાના પરીવારને કોઇ પણ અકસ્માતોથી દૂર રાખીએ. આ સમયે બહુધા આગ લાગવાના, દાઝી જવાના બનાવો બને છે. માટે ઉત્સવના ઉમંગમાં સાવચેતી ના વિસરાય તેનો ખાસ ખ્યાલ રાખીએ અત્યારે કોરોનાથી બચવા સેનિટાઇઝરનો ઉપયોગ કરીએ છીએ પરંતુ સેનિટાઇઝર ખૂબ જ જ્વલનશીલ પદાર્થ છે માટે તે હાથમાં લગાવી કદી પણ ફટાકડા ફોડવા નહી કે આગથી દૂર રહેવું જરૂરી છે. આવી નાની નાની બાબતોનો ખ્યાલ રાખીને આપણે અકસ્માતોને નિવારી શકીએ છીએ. નિવાસી અધિક કલેક્ટર શ્રી એ.બી. પાંડોરે નાગરિકોને તમામ સાવચેતીઓ રાખીને જ દિવાળી પર્વની ઉજવણી કરવા અપીલ કરી છે.
નાગરિકો ફટાકડા હંમેશા ખુલ્લી જગ્યામાં ફોડવા જોઇએ અને આજુબાજુ કોઇ જ્વલનશીલ પદાર્થ ન હોય તેનું ધ્યાન રાખે. લાયસન્સ ધરાવતા વેપારીઓ પાસેથી જ ફટાકડા ખરીદવા. ક્રેકરના લેબલ પર છાપેલી સૂચનાઓ અવશ્ય વાંચો. ફટાકડાને બંઘ કન્ટેનરમાં સ્ટોર કરો અને આસપાસ કોઇ જ્વલનશીલ પદાર્થ ન હોય તેનું ધ્યાન રાખો. ક્રેકર-ફટાકડા સળગાવતા સલામત અંતર જાળવો.
ફટાકડા ફોડનારે વાળ યોગ્ય રીતે બાંધો તેમજ લાંબા અને ઢીલા કપડા પહેરવાનું ટાળો. કોટનના અને ફીટ કપડા પહેરો. સિલ્ક અને સિક્વેટિક ફેબ્રિક ન પહેરો. બાળકોને તમારી દેખરેખમાં જ ફટાકડા ફોડવા દો અને તેમનું ખાસ ધ્યાન રાખો. ફટાકડાનો અવાજ બહેરાશભર્યો હોય તો કાનમાં કોટન પ્લગ મુકો. શ્વસન સંબધી સમસ્યા હોય તે બહાર જવાનુ ટાળે. ઘરની છત ઉપરથી કોઇ પણ સળગી શકે તેવી વસ્તુઓને દૂર કરો.
ફટાકડા ફોડતી વખતે ફૂટવેર પહેરો, હાથમાં ફટાકડા ફોડશો નહી. સળગતી મીણબત્તીઓ અને દીવાની આસપાસ ફટાકડા ખુલ્લા ન છોડો. વીજળીના થાંભલા અને વાયરો પાસે કયારેય ફટાકડા ન ફોડવા. અડધા બળી ગયેલા ફટાકડાને કયારેય ફેંકશો કે અડકશો નહી.
ફટાકડા ફોડવા માટે ઓપન ફાયર – મેચ કે લાઇટરનો ઉપયોગ ન કરો. તેના બદલે, અગરબત્તી, સ્પાર્કલર, લાંબુ સળગતાં લાકડાનો ઉપયોગ કરો. કોઇ પણ વાહનની અંદર ફટાકડા ફોડવા નહી. જો ફટાકડા ફૂટવામાં વધુ સમય લાગે તો તેની સાથે છેડછાડ ન કરો. સુરક્ષિત અંતર રાખીને તેની ઉપર પાણી નાખો.
ફટાકડા ફોડતી વખતે સેનીટાઇઝરવાળા હાથે ન ફોડો કે સેનીટાઇઝરની બોટલ દૂર રાખવી. એપીએમસી અને કોટન ગોડાઉન વિસ્તાર આજુબાજુ ફટાકડા ફોડવા નહી. ઇમરજન્સી માટે પાણીની ડોલ હાથમાં રાખો. આગના કિસ્સામાં ફાયર બિગ્રેડને ૧૦૧ ઉપર કોલ કરો.
આ સપરમા પર્વના સમયે પણ કોરોના સાવચેતીઓનું ચુસ્ત પાલન કરવું જોઇએ. માસ્ક, સેનિટાઇઝર અને મેળાવડાઓથી દૂર રહેવું જરૂરી છે. મિત્રો-સંબધીઓને બોલાવતા હોય તો અલગ અલગ દિવસે બોલાવવા.

