દાહોદ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચુંટણી બાદ હારેલા ઉમેદવારોએ ભારે ધિંગાણું મચાવ્યું : જિલ્લામાં ત્રણ જુદી જુદી જગ્યાએ વાહનોની તોડફોડ, પથ્થર મારો સહિત મારામારીના ત્રણ બનાવોમાં લોકોને ઈજા પહોંચી

દાહોદ તા.૨૨

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ખીરખાઈ ગામે ગ્રામ પંચાયતની ચુંટણીમાં હારી જતાં હારેલા ઉમેદવારના મહિલા સહિત ૧૫૦ ઈસમોના સશ્ત્ર ટોળાએ એકસંપ થઈ ગેરકાયદે મંડળી બનાવી ગાયો ભેસોને માર મારી અને આગ ચંપી કરી ઘરમાં તોડફોડ કરી ભારે ધિંગાણું મચાવી રૂા. ૪ લાખનું નુકસાન પહોંચાડ્યાનું જાણવા મળે છે.

ગત તા.૨૧મી ડિસેમ્બરના રોજ ખીરખાઈ ગામે રહેતાં ચંદુભાઈ અમરાભાઈ કટારા, મુકેશભાઈ ચંદુભાઈ કટારા સહિત તેમની સાથે મહિલા સહિત ૧૫૦ ઈસમોના ટોળાએ પોતાનો ઉમેદવાર ગ્રામ પંચાયતની ચુંટણીમાં હારી જતાં તેની અદાવત રાખી પુર્વ આયોજીત કાવતરૂં રચી ગામમાં રહેતાં પોપટભાઈ રાજુભાઈ ડામોરના ઘર તરફ આવી પોતાની સાથે તલવાર, ધારીયા, તીરકામઠા, કારબામાં પેટ્રોલ વિગેરે જેવા મારક હથિયારો સાથે લાવી બેફામ ગાળો બોલતાં હતાં અને એકદમ ઉશ્કેરાઈ જઈ ઘર તરફ આગ ચંપી કરી, ગાય, ભેસને માર મારી, ઘરમાં પણ તોડફોડ કરી રૂા. ૪ લાખનું નુકસાન પહોંચાડ્યું હતું.

આ સંબંધે પોપટભાઈ રાજુભાઈ ડામોરે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



	દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના જાફરપુરા ગામે ગ્રામ પંચાયતની ચુંટણીમાં વિજયી થયેલ ઉમેદવારના વિજય સરઘસમાં ૭ જેટલા ઈસમોના ટોળાએ એકસંપ થઈ ગેરકાયદે મંડળી બનાવી ભારે ધિંગાણું મચાવી પથ્થર મારો કરી તેમજ વાહનોની તોડફોડ કર્યાં બાદ ખેતરમાં મુકી રાખલ ઘાસના પુળામાં આગ ચંપી કરી નુકસાન પહોંચતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આરોપીઓના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

	ગત તા.૨૧મી ડિસેમ્બરના રોજ ગ્રામ પંચાયતની ચુંટણીમાં જાફરપુરા ગ્રામ પંચાયતના ઉમેદવાર પ્રકાશભાઈ લાલસીંગભાઈ ડામોર સરપંચ પદ પર વિજેતા જાહેર થયાં હતાં અને ગામમાં તેમનો વિજયોઉત્સવ રૂપે સરઘસ નીકળ્યું હતું. આ દરમ્યાન ગામમાં રહેતાં ધર્મેન્દ્ર ઉર્ફે ધમો શંકરભાઈ ડામોર, મુકેશભાઈ પુનીયાભાઈ ડામોર, રાકેશભાઈ સવલાભાઈ ડામોર, મંજુભાઈ દલસીંગભાઈ ડામોર, પારસીંગભાઈ સમુડાભાઈ ડામોર, પારૂભાઈ ચુનીયાભાઈ ડામોર અને રમણભાઈ મનીયાભાઈ ડામોરનાઓ એકપંસ થઈ ગેરકાયદે મંડળી બનાવી વિજય સરઘસમાં કીકીયારીઓ કરી આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી ગામમાં રહેતાં બળવંતભાઈ દામાભાઈ મછાર વિગરેને બેફામ ગાળો બોલી એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને બળવંતભાઈના ઘરના આગણમાં મુકી રાખેલ વાહનોની તોડફોડ કરી, ભારે પથ્થર મારો કર્યાેં હતો. મનસુખભાઈ, છગનભાઈ અને મગનભાઈને છુટ્ટા પથ્થરો મારી શરીરે ઈજાઓ પહોંચાડી હતી અને સુરતાન વાલસીંગભાઈ તંબોળીયાના કેતરમાં સુકા મકાઈના ઘાસના ભેગા થયેલ પુળામાં આગ ચંપી નુકસાન પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે બળવંતભાઈ દામાભાઈ મછારે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



	દાહોદ તાલુકાના રાજપુર ગામે ગ્રામ પંચાયતની ચુંટણીમાં હારી જતાં હારેલ ઉમેદવારના ૧૦ જેટલા સમર્થકો દ્વારા ગેરકાયદે મંડળી બનાવી પોતાની સાથે માર હથિયારો ધારણ કરી જીતેલ ઉમેદવારના ઘર પર ભારે પથ્થર મારો કરી એકને લાકડી વડે તથા છુટા પથ્થરો વડે માર મારી ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી જેને પગલે પોલીસમાં ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

	ગત તા.૨૧મી ડિસેમ્બરના રોજ રાજપુર ગામે માળી ફળિયામાં રહેતાં બદીયાભાઈ શકરીયાભાઈ ડામોર,  અજયભાઈ બદીયાભાઈ ડામોર, વિજયભાઈ બદીયાભાઈ ડામોર,  કસુભાઈ સુરસીંગભાઈ ડામોર, જેન્તીભાઈ કાળીયાભાઈ ડામોર,  ચતુરભાઈ સુરસીંગભાઈ ડામોર, અજયભાઈ હરસીંગભાઈ ડામોર,  તોફાનભાઈ માનીયાભાઈ ડામોર, અલ્કેશભાઈ તોફાનભાઈ ડામોર અને નૈનેશભાઈ મતાભાઈ ડામોરનાઓએ એકસંપ થઈ ગેરકાયદે મંડળી બનાવી પોતાની સાથે લાકડીઓ, મારક હથિયારો તેમજ હાથમાં પથ્થરો લઈ ગામમાં રહેતાં શૈલેશભાઈ વેસ્તાભાઈ ડામોરના ઘર તરફ આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તારા ભાઈએ અમારા સામે ઉમેદવારી નોંધાવેલ તેના લીધે અમો હારી ગયેલ છીએ તેમ કહી દીપસીંગભાઈ વેસ્તાભાઈ ડામોરને માથાના ભાગે લાકડી મારી તેમજ છુટ્ટા પથ્થરો મારી છાતીના ભાગે ઈજાઓ પહોંચાડી હતી અને મકાન ઉપર ભારે પથ્થર મારો કરી ધિંગાણું મચાવતાં આ સંબંધે શૈલેષભાઈ વેસ્તાભાઈ ડામોરે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!