દાહોદની ૧૭ વર્ષીય અમતુલ્લાહ જણાવે છે કે, વેક્સિન સંપૂર્ણ સલામત છે : દાહોદમાં ૧૫ થી ૧૮ વર્ષના તરૂણોમાં કોરોનાની વેક્સિન લેવા માટે ઉત્સાહ
અત્યાર સુધીમાં જિલ્લાના ૩૩૦૫૧ તરૂણોએ વેક્સિન લીધી, ખૂબ જ ટૂંકા ગાળામાં ૪૧.૬૯ ટકા લક્ષ્યાંક હાંસલ
દાહોદ જિલ્લામાં ૧૫ થી ૧૮ વર્ષના તરૂણોમાં કોરોનાની વેક્સિન લેવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દાહોદ નગરની ૧૭ વર્ષની અમતુલ્લાહ સૈફીભાઇ લીમડીવાલાએ વેક્સિન લીધા બાદ સૌ સમવયસ્કોને વેક્સિન લેવા માટે અપીલ કરી હતી. તેણીએ જણાવ્યું કે, કોરોનાની સંભવિત લહેર સામે આ વેક્સિન અસરકારક બચાવ બનશે. મેં આ વેક્સિન લીધી છે અને તે સંપૂર્ણ સલામત છે. સૌ ૧૫ થી ૧૮ વર્ષના તરૂણોએ કોરોનાની વેક્સિન લેવી જોઇએ.
દાહોદ જિલ્લામાં ઉક્ત વયમાં આવતા ૭૯૨૭૨ તરૂણોને વેક્સિન આપવા માટેનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જેમાંથી તા. ૬ ડિસેમ્બર વહેલી સવાર સુધીના આંકડા જોઇએ તો કુલ ૩૩૦૫૧ તરૂણોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. એટલે કે ખૂબ જ ટૂંકા ગાળામાં ૪૧.૬૯ ટકા લક્ષ્યાંક હાંસલ કરવામાં આવ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા ૧૫ થી ૧૮ વર્ષના તરૂણોને કોરોનાની વેક્સિનનું મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે સૌ આ વયમાં આવતા તરૂણો પહેલ કરે અને વેક્સિન મુકાવે એ કોરોના સામેની સુરક્ષા માટે જરૂરી છે. વેક્સિન કોરોના સામેનો રામબાણ ઉપાય છે.
૧૫ થી ૧૮ વર્ષના તરૂણોને કોવેક્સિન વેક્સિન જ આપવામાં આવી રહી છે. આ માટે તરૂણો cowin પર ઓનલાઇન નોંધણી પણ કરાવી શકે છે. વર્ષ ૨૦૦૭ અને તેના પહેલા જન્મેલા તમામ બાળકો કોવિડ -૧૯ વેક્સિન માટે પાત્રતા ધરાવે છે. વેક્સિનેટર દ્વારા લાભાર્થીઓનું સ્થળ પર પણ નોંધણી કરવામાં આવી રહી છે. આ વયમાં આવતા તરૂણો ઓનલાઇન અને ઓનસાઇટ અપોઇમેન્ટ બુક કરી શકે છે.
૦૦૦

