દાહોદ તાલુકાના કાળી તળાઈ ગામે થી હત્યા કરાયેલ લાશ મળી આવતા ચકચાર મચી
દાહોદ તા.16
દાહોદ તાલુકાના કાળી તળાઈ ગામે એક ઇસમની હત્યા કરાયેલી લાશ મળી આવતાં પંથકમાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામી છે. મોઢાના ભાગે ક્રૂરતાપૂર્વક પથ્થરો મારી હત્યા કરાઈ હોવાનું પ્રાથમિકમાં તારણ બહાર આવ્યું છે.
કાળી તળાઈ ગામે હાઇવે નજીક આશરે ૪૦ વર્ષીય વ્યક્તિની હત્યા કરાયેલી લાશ આજરોજ વહેલી સવારના સમયે મળી આવતાં ગ્રામજનોમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી ગયો હતો. મળતી માહિતી પ્રમાણે, યુવક રાબડાળ ગામનો હોવાનું જાણવા મળી રહ્યું છે. રાત્રિના સમય દરમિયાન હત્યા કરાઈ હોવાનું અને રાત્રીના સમયેજ વ્યક્તિની લાશ આરોપીઓ દ્વારા ફેંકી દેવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. લાશ નજીકથી બુલેટ ગાડી પણ મળી આવી છે. સમગ્ર મામલે સ્થાનિક પોલીસ દ્વારા હત્યાનો ભેદ ઉકેલવા તપાસનો ધમધમાટ પ્રારંભ કર્યો છે ત્યારે વ્યક્તિની કયા કારણોસર હત્યા કરવામાં આવી તે દિશામાં અને આરોપીઓની શોધખોળ કરી આરોપીઓના ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.