એસટી બસ બળીને ખાખ થઈ : ઝાલોદના ગરાડુ પાસે ફતેપુરાથી વડોદરા જતી બસમાં આગ લાગી, ડ્રાઈવરની સમયસૂચકતાએ મુસાફરોના જીવ બચાવ્યા
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.2
ઝાલોદ તાલુકાના ગરાડું ગામે બસ સ્ટોપની બાજુમાં ફતેપુરાથી વડોદરા જતી બસમાં એકાએક આગ લાગી હતી જો કે ડ્રાઇવરે સમયસૂચકતા વાપરી પેસેન્જરોનો જીવ બચાવી લીધો હતો પરંતુ બસ ઘટનાસ્થળે બળીને ખાખ થઈ ગઈ હતી.
ઝાલોદ તાલુકાના ગરાડુ ગામ ખાતે ફતેપુરાથી વડોદરા જતી બસ કે જેનો નંબર GJ18Z4126 છે એમાં એકાએક આગ લાગી હતી જે કે ડ્રાઇવરને તેની જાણ થઈ જતાં તેણે મુસાફરોને ઉતારી દેતા તમામના જીવ બચી ગયા હતા. એક સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા ઝાલોદ ફાયર સ્ટેશનને જાણ કરાતાં ફાયર ફાયટરોએ ઘટનાસ્થળે પહોંચી બસની અંદર લાગેલી આગને બુઝાવી હતી. ઘટનાને પગલે ઝાલોદ ડેપો મેનેજર રાજેશભાઈ વશૈયાને ટેલીફોનિક જાણ કરાતાં તેઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જેમની સાથેની વાતચીતમાં તેમણે કોઈ મોટી જાનહાનિ ન થઈ હોવાનું જણાવ્યું હતું. જો કે હવે આગ શોર્ટ સર્કિટના લીધે કે એન્જિનમાં કોઈ તકલીફના લીધે લાગી કે પછી અન્ય કોઈ કારણે લાગી છે એ આગશ વધુ તપાસ બાદ જાણવા મળશે.