રસ્તા પર ભટકતી માસુમ સોનલ હવે શાળાએ ભણવા જશે : સોનલના માવતર બનતા દેવગઢ બારીયાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મયોગીઓ
ગુના પીએચસીના ગાયનેકોલોજિસ્ટ ડો. પરેશ શર્મા એ સોનલને દત્તક લઈ તેની સાચી માતા બન્યા
વહીવટી તંત્રની સંવેદનશીલતા તેના કર્મયોગીઓ પર નિર્ભર છે. જો અધિકારી -કર્મચારી સંવેદનશીલતા સાથે કામ કરશે તો નાનામાં નાના માણસની પણ સમસ્યાઓ તેઓ સમજી અને ઉકેલી શકશે. આજે દાહોદના આરોગ્ય વિભાગના કર્મયોગીઓની સંવેદનાની વાત કરવાની છે.
દેવગઢ બારીયાના ગુના પીએચસીના ડો. પરેશ શર્મા. વ્યવસાયે ડોકટર એટલે તબીયતનું ધ્યાન રાખવા નિયમત સવારે ચાલવા જાય. સવાર સવારમાં કેટલાક સ્થાનિક બાળકો પણ રસ્તામાં તેમને સાથ આપે.
તેમના રોજિંદા ક્રમમાં તેમનું ધ્યાન એક આઠેક વર્ષની બાળકી પર ગયું. તેની હાલત અત્યંત દયનિય હતી. કપડા ફાટેલાં અને ગંદા. શરીર પણ કુપોષિત. પગમાં ચંપલ પણ નહીં. હા. પણ ચહેરા પર માસૂમિયત ઝલકતી હતી.
આ દીકરીની આવી દયનીય હાલત જોઈને ડો. શર્માએ પૂછપરછ કરી. આ છોકરીનું નામ સોનલ હતું. તે ભણવા માટે શાળામાં પણ જતી નહતી. તેના ખાવાપીવાનું પણ કંઈ નક્કી નહતું. ડોકટર શર્માએ પીએચસીના નિશાબેનને તેમના ઘરે મોકલી વધુ માહિતી મેળવી. આ દીકરીના માવતર પણ અતિગરીબ હતા.
ડો. શર્માએ તાત્કાલિક સોનલને દત્તક લેવાનો નિર્ધાર કર્યો. તેઓ સોનલને આરોગ્ય કેન્દ્ર પર લેતા આવ્યા. અહીંના કર્મચારીઓ પણ સોનલની સેવાચાકરીમાં લાગી ગયા. નિશાબેને સોનલને નવડાવી-સ્વચ્છ કરી. માથામાં તેલ નાખીને માથું ઓળી આપ્યું. સોનલ માટે નવા કપડાની ત્રણ ચાર જોડી લાવી દેવાઈ. નવા પગરખા પણ આવી ગયા. હવે ડોકટર શર્માએ તેમના માવતરને મળીને સોનલને શાળામાં પ્રવેશ માટે પણ સમજાવ્યા છે. એક બે દિવસમાં સોનલ હવે શાળાએ ભણવા જશે.
ડો. શર્મા ગાયનેકોલોજિસ્ટ છે પણ તેઓ અને આરોગ્ય તંત્રના કર્મચારીઓ સોનલની ખરી માતા બન્યા છે.