દાહોદ તાલુકાના ખરોદા ગામે બે પરિવાર વચ્ચે જમીન સંબંધી મામલે ધિંગાણું : જમીન સંબંધી મામલે થયેલ ધિંગાણામાં મારક હથિયારો ઉછળતાં પાંચ જેટલા વ્યક્તિઓ ઘાયલ
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૧
દાહોદ તાલુકાના ખરોદા ગામે જમીન સંબંધી મામલે બે પક્ષો વચ્ચે મારક હથિયારોથી મારમારી થતાં ભારે ધિંગાણું મચાવતાં પાંચ જેટલા વ્યક્તિઓને શરીરે ઈજાઓ પહોંચતાં આ સંબંધે બંન્ને પક્ષો દ્વારા સામસામે પોલીસમાં ફરિયાદ નોંધાંવ્યાંનું જાણવા મળે છે.
દાહોદ તાલુકાના ખરોદા ગામે આલની તળાઈ ફળિયામાં રહેતાં અલ્કેશભાઈ બદીયાભાઈ બારીયાએ નોંધાંવેલ ફરિયાદમાં જણાવ્યાં અનુસાર, ગત તા.૧૯મી જુનના રોજ પોતાના ગામમાં રહેતાં કનુભાઈ રામસીંગભાઈ બારીયા, અરવિંદભાઈ કનુભાઈ બારીયા, અર્જુનભાઈ કનુભાઈ બારીયા, સુકલીબેન કનુભાઈ બારીયાનાઓએ પોતાની સાથે હાથમાં મારક હથિયારો જેવા કે, તીર કામઠા, કુહાડી, છુટ્ટા પથ્થરો વિગેરે લઈ અલ્કેશભાઈના ઘરે આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, જંગલની જમીનમાંથી નીકળી જા તે અમારી જંગલની મળેલી જમીન લઈ લીધેલ છે, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને તીર વડે, કુહાડી વડે અને છુટ્ટા પથ્થરો મારી બદીયાભાઈને અને અલ્કેશભાઈને શરીરે, હાથે પગે અને માથાના ભાગે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે ઈજાગ્રસ્ત અલ્કેશભાઈ બદીયાભાઈ બારીયાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે સામાપક્ષેથી દાહોદ તાલુકાના ખરોદા ગામે આલની તળા ફળિયામાં રહેતાં અર્જુનભાઈ કનુભાઈ બારીયાએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યાં અનુસાર, ગત તા.૧૯મી જુનના રોજ પોતાના ગામમાં રહેતાં બદિયાભાઈ વિરાભાઈ બારીયા, અલ્કેશભાઈ બદીયાભાઈ બારીયા, રાકેશભાઈ બદિયાભાઈ બારીયા અને હિતેશભાઈ બદિયાભાઈ બારીયાનાઓ પોતાની સાથે લાકડી, હાથમાં છુટ્ટા પથ્થરો લઈ અર્જુનભાઈના ઘરે આવ્યાં હતાં અને અર્જુનભાઈ તથા તેમના પરિવારજનો તેઓની જમીનમાં મકાઈની ઓરણી કરી રહ્યાં હતાં તે સમયે ત્યાં આવી બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, આ જમીનમાં કેમ ઓરણી કરો છો, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને લાકડી વડે તેમજ છુટ્ટા પથ્થરો વડે અર્જુનભાઈને, કનુભાઈને અને અરવિંદભાઈને શરીરે, હાથે પગે અને માથાના ભાગે મારી ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે ઈજાગ્રસ્ત અર્જુનભાઈ કનુભાઈ બારીયાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દાહોદ તાલુકા પોલીસે બંન્ને પક્ષોની સામસામે પોલીસમાં ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.