કમ્પ્યુટર અને કોડિંગમાં માસ્ટરી થકી અધધધ કહી શકાય તેવો પગાર મેળવશે દાહોદની સરકારી ઇજનેરી કોલેજની આ વિદ્યાર્થીની !!! : અમીષા પુર્સવાનીની એમેઝોનમાં રૂ. ૮૦ હજારના પગારથી ઇન્ટર્નશીપ, ત્યાર બાદ પસંદગી થશે તો રૂ. ૩૦ લાખનો વાર્ષિક પગાર
દાહોદ તા.૨૪
સરકારી ઇજનેરી કોલેજની વિદ્યાર્થીનીએ આઇઆઇટીના સહિતના વિદ્યાર્થીઓ સાથે રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં પાસ થઇ પસંદગી પામી
દાહોદની સરકારી ઇજનેરી કોલેજની વિદ્યાર્થીનીએ કોમ્પ્યુટર અને કોડિંગમાં માસ્ટરી મેળવીને એમેઝોન જેવી આંતરરાષ્ટ્રીય કંપનીમાં રૂ. ૮૦ હજારના પગારથી ઇન્ટર્નશીપ મેળવી છે. છ મહિનાના ઇન્ટર્નશીપ પૂર્ણ થયે જો તેની પસંદગી થશે તો રૂ. ૩૦ લાખનું વાર્ષિક પેકેજ તેને ઓફર કરાશે. દાહોદમાં રાષ્ટ્રીય કક્ષાના સુખ્યાત વિદ્યાલયોની સ્પર્ધા કરી શકે તેવું શિક્ષણ મળી રહ્યું છે. ત્યારે સરકારી ઇજનેરી કોલેજની આ વિદ્યાર્થીનીએ આઇઆઇટી સહિતના ૬૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ સાથે રાષ્ટ્રીય સ્તરની મુશ્કેલ સ્પર્ધામાં અંતિમ પસંદગી પામી છે.
દાહોદની સરકારી ઇજનેરી કોલેજમાં કોમ્પયુટર એન્જીનિયરિંગનો કોર્ષ કરતી અમીષા પુર્સવાનીએ અભ્યાસકાળના છેલ્લા વર્ષમાં જ એમેઝોન જેવી જાઇન્ટ કંપનીમાં ઇન્ટનર્શીપ મેળવી છે. અમીષાએ આ માટે બે કોડિંગ ટેસ્ટ પાસ કરવી પડી હતી અને દિલ્હી ખાતેના ઇન્ટરવ્યુ બાદ તેની આખરી પસંદગી કરાઈ હતી.
અમીષાને કમ્પયુટર અને કોડિંગમાં ખૂબ રસ હોવાથી તેણે આ કોર્ષ પસંદ કર્યો હતો અને મૂળ અમદાવાદની અમીષા દાહોદની સરકારી ઇજનેરી કોલેજ ખાતે ૪ વર્ષનો કોર્ષ જોઇન કર્યો હતો. અહીંના નિષ્ણાંત પ્રોફેસરો પાસેથી ખૂબ સરસ માર્ગદર્શન અપાયું હતું અને પોતાનો રસનો વિષય હોવાથી તે ફટાફટ કોડિંગની આટીઘુંટી શીખી ગઈ હતી.
એમેઝોન વાવમાં સોફ્ટવેયર ડેવલપર એન્જિનિંયરિંગની પોસ્ટ માટે અમીષાએ ઓનલાઇન અરજી કરી હતી. આ માટેની યોજાયેલી સ્પર્ધામાં દેશભરમાંથી કોમ્પયુટર અને કોડિંગના હોનહાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અંદાજે ૬૦ હજારથી પણ વધુ વિદ્યાર્થીઓએ ઓનલાઇ કોડિંગ માટેની આ પરીક્ષા આપી હતી. કોડિંગના મશ્કેલ પેપરોને સોલ્વ કરી પાસ કર્યા બાદ દિલ્હી ખાતે અમીષાનું ઇન્ટરવ્યુ લેવાયું હતું. એક કલાક ચાલેલા ઇન્ટરવ્યુમાં કમ્પ્યુટર અને કોડિંગ બાબતના અમીષાના જ્ઞાનની પૂરી ચકાસણી કર્યા બાદ તેનું અંતિમ પસંદગી કરાઇ હતી. રાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધામાં અમીષાની સ્પર્ધામાં આઇઆઇટીના વિદ્યાર્થીઓ પણ હતા. તેમ છતાં અમીષાએ સફળતાપૂર્વક આ પરીક્ષા પાસ કરી હતી.
અમીષા પુર્સવાની જણાવે છે કે, મારા શિક્ષકોનો અથાક પરિશ્રમ અને માર્ગદર્શન તેમજ આ ક્ષેત્રનો મારો રસ ખૂબ કામ આવ્યો. જે વિષયમાં તમને રસ હોય તેમાં પરિશ્રમ કરી આગળ વધવું જોઇએ. મે કોમ્પયુટર અને કોડિંગ શીખવા માટે દિવસ રાત એક કર્યા છે. જેના પરિણામે આજે આટલી સ્પર્ધા હોવા છતા એમેઝોનમાં હું પસંદગી પામી.