ખેડા જિલ્લામાં અંદાજિત ૬૨.૬૫ % મતદાન, ૪૪ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં થયું સીલ
નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ
ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૨ અન્વયે ખેડા જિલ્લામાં ૬ વિધાનસભા બેઠકો માતર, નડિયાદ, મહેમદાવાદ, મહુધા, ઠાસરા અને કપડવંજ પર આજે સવારે ૮ થી સાંજે ૫ વાગ્યા સુધીમાં અંદાજિત ૬૨.૬૫ ટકા મતદાન દ્વારા મતદારોએ કુલ ૪૪ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ કર્યું. સૌથી વધુ મતદાન ૧૧૫- માતર બેઠક પર અંદાજિત ૬૬.૭૧ ટકા નોંધાયું હતું. જયારે સૌથી ઓછુ અંદાજિત ૫૬.૩૩ ટકા મતદાન ૧૧૬- નડિયાદ બેઠક પર નોંધાયું હતું. જિલ્લામાં નોંધાયેલા કુલ ૧૬,૦૦,૯૨૫ મતદારો માટે કુલ ૧૭૪૪ બુથ પર જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર કે. એલ, બચાણીના માર્ગદર્શન હેઠળ શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પૂર્ણ થયું હતું. હવે આગામી તા. ૮ ડિસેમ્બરે નડિયાદની આઈ. વી. પટેલ કોલેજ ખાતે મત ગણતરી હાથ ધરાશે ત્યારે ઉમેદવારોના ભાવિનો ફેસલો થશે.



