પૂ. ઠક્કર બાપાની ૧૫૦મી જન્મ જયંતીએ ભાવાંજલિ નિષ્કામ કર્મયોગી ઠક્કરબાપા
મારા વિચારોમાં પહેલું સ્થાન મારા દેશનું રહેશે. મારામાં જે ઉત્તમ શક્તિ હશે તે હું દેશની સેવામાં અર્પણ કરીશ.” આ શબ્દો છે પૂજય શ્રી ઠક્કર બાપાના. જેમણે પોતાનું સમ્રગ જીવન સમાજને અર્પિત કર્યુ એવા ઠક્કરબાપાની તા. ૨૯-૧૧-૨૦૧૯ના રોજ ૧૫૦ મી જન્મજયંતી છે. એક આદર્શ સમાજ સેવક કેવો હોય તે જાણવું હોય તો ઠક્કર બાપાનું જીવન જાણવું જોઇએ.
ભાવનગરના એક સામાન્ય લોહાણા પરીવારમાં તેમનો જન્મ થયો હતો. તેમનું આખું નામ અમૃતલાલ ઠક્કર. તેમના પિતાનું નામ વિઠ્ઠલદાસ અને માતાનું નામ મૂળીબાઇ. તેમને પાંચ ભાઇ અને એક બહેન હતા. પિતા સામાન્ય પગારમાં એક વેપારીને ત્યાં ગુમાસ્તાની નોકરી કરતા. ઠક્કરબાપા ભણવામાં પણ ખૂબ તેજસ્વી. મેટ્રીક પ્રથમ વર્ગમાં પાસ કરી શિષ્યવૃત્તિ મેળવી હતી. એ જમાનામાં તેમણે સિવિલ એન્જીનિંયરીંગનો અભ્યાસ કર્યો હતો અને રેલવેમાં ઓવરસિયર તરીકે નોકરી લીધી. પાછળથી મદદનીશ ઇજનેર બન્યા. નોકરી દરમિયાન તેમણે સૌરાષ્ટ્રના ઘણા સ્થળોએ ફરવાનું બન્યું. તે વખતે તેમનો માસિક પગાર ૨૭૫ રૂપિયા હતો. આવી તેજસ્વી કારકિર્દી હોવા છતા પણ તેઓએ આજીવન ગરીબ – વંચીત આદિવાસીઓની નિષ્કામ સેવામાં જીવન વિતાવ્યું.
તેમની નિષ્ડા અને પ્રમાણિકતા તેમના જીવનના અનેક પ્રસંગોમાં જોવા મળે છે.
એક વખત રેલ્વેના પાટા નાખવાનું કામ ચાલતું હતું. પોતાની જમીન તેમાં કપાઇ ન જાય તે માટે ખેડૂતો ઠક્કર સાહેબને લાંચ આપવા આવ્યા. તેમણે આ ખેડૂતોને ઠપકો આપીને પાછા મોકલી દીધા. તેમની આ પ્રમાણિકતા ભ્રષ્ટ લોકોથી સહન ન થઇ. તેમની વિરુધ્ધ કાવાદાવા થવા લાગ્યા. આથી ઠક્કર સાહેબે રાજીનામું આપી દીધું. આવી હતી તેમની પ્રમાણિકતા !
તેમણે મુંબઇ નગર પાલિકામાં એન્જિનિયર તરીકે નોકરી શરૂ કરી. પરંતુ અહીંના સફાઇ કામદારોની પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી. તેમને આખા મુંબઇ શહેરના કચરાનો નિકાલ કરવો પડતો હતો. સફાઇ કામદારોની રહેવાની ગંદી વસાહતો જોઈને તેઓ ચકિત થઈ ગયા અને આ લોકોની મુસીબતોને દૂર કરવા માટે બાકીનું જીવન સમર્પિત કરવાનો સંકલ્પ કર્યો. ૧૯૧૪માં તેમણે રાજીનામું આપ્યું અને સામાજિક કાર્ય શરૂ કર્યું. તેમને મુંબઇમાં હરીજન સેવા પ્રવૃત્તિના સ્થાપક વિઠ્ઠલ રામજી શિંદે મળી ગયા. તે તેમના ગુરુ બન્યા. છેવટે ગોપાલકૃષ્ણ ગોખલે પાસે દીક્ષા લઇ તેઓ ૧૯૧૪ માં ભારત સેવક સમાજમાં જોડાયા અને અસ્પૃશ્યો અને આદિવાસીઓના અધિકારની હિમાયત કરી.
આમ સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાયા બાદ તેમણે કરેલું પહેલું કામ ગોકુળ-મથુરા તરફ પડેલા દુકાળમાં લોકોને મદદ કરવાનું હતું. ઇ.સ. ૧૯૧૬માં ત્યાં દુકાળ પડયો. તેઓ ત્યાં પહોંચી ગયા અને રાહતકાર્યો શરૂ કર્યા. ઇ.સ. ૧૯૧૯માં પંચમહાલમાં પણ ભીષણ દુષ્કાળ પડયો. ત્યાં પણ તેમણે સેવાકીય પ્રવૃત્તિ આદરી.
સને ૧૯૨૨-૨૩માં તેમણે પંચમહાલની ભીલ જાતિના ઉત્થાન માટે ભીલ સેવા મંડળ સ્થાપ્યું અને સખત મહેનત કરી. આ જ પ્રવૃત્તિ રાષ્ટ્રકક્ષાએ વિકસી અને આદિમ જાતિ સેવા સંઘ નામની વિશાળ સંસ્થાની સ્થાપના થઇ. સાથે અંત્યજ સેવામંડળ દ્વારા તેઓ અનુસૂચિત જાતિના લોકોની સેવા પણ કરતા રહયા. આ માટે તેમણે ગાંધીજી સાથે પણ લાંબો સમય કામ કર્યું. પછી તેઓ હરીજન સેવક સંઘના મુખ્ય મંત્રી બન્યા. ગરીબો વંચિતોની સેવા માટે તેઓ હંમેશા તૈયાર રહેતા. આવી પ્રવૃત્તિઓને લીધે તેમને પંચમહાલમાંથી બાપાનું બિરુદ મળ્યું અને આખા ભારતમાં ઠક્કરબાપા તરીકે જાણીતા થયા.
ભાગ્યે જ કોઇએ આદિવાસીઓના ઉધ્ધાર માટે આદિવાસી વિસ્તારમાં તેમના જેટલો પ્રવાસ ખેડયો હશે. ઠક્કરબાપાએ આસામ, ગ્રામીણ બંગાળ, ઓરિસ્સાના દુષ્કાળગ્રસ્ત વિસ્તારો, ગુજરાતના ભીલ પટ્ટાઓ અને સૌરાષ્ટ્રના વિસ્તારો, મહારાષ્ટ્રના પછાત વિસ્તારો, મદ્રાસના ગરીબ વિસ્તારો, છોટા નાગપુરના ડુંગરાળ વિસ્તાર, થરપારકરનો રણ, હિમાલયની તળેટી, ત્રાવણકોરના દરિયાકાંઠાના વિસ્તારોની જંગલોની મુલાકાત આદિવાસી અને અનુસુચિત જાતિના ઉત્થાનના તેમના ધ્યેયને ધ્યાનમાં રાખીને લીધી હતી. તેઓ હંમેશા રેલ્વેના ત્રીજા વર્ગમાં મુસાફરી કરતા હતા. ઠક્કરબાપાએ તેમના જીવનના ૩૫ વર્ષ આદિવાસી અને અનુસૂચિત જાતિના લોકોની સેવામાં વિતાવ્યા હતા. એમનું જીવન પણ એટલું જ સાદું હતું. તેમને સિત્તેર વર્ષ પૂરાં થતાં રૂપિયા એક લાખ સિત્તેર હજારની થેલી અર્પણ કરવામાં આવી. ઠક્કર બાપાએ બધી જ રકમ અનુસુચિત જાતિના ઉત્થાન માટે ખર્ચવા આપી દીધી. નિષ્કામ કર્મયોગી સમાન ઠક્કરબાપાની ૧૫૦મી જન્મ જયંતીએ આપણે સૌએ તેમનામાંથી પ્રેરણા લેવી જોઇએ.

