સ્નેહમિલનમાં પત્રકારો અને જનપ્રતિનિધિઓ-અધિકારીઓ વચ્ચે હૂંફાળો સંવાદ
શિશિર ઋતુની પૂર્ણ ગુલાબી ઠંડી વચ્ચે આજે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત સ્નેહમિલનમાં પત્રકારો અને જનપ્રતિનિધિઓ-અધિકારીઓ વચ્ચે હૂંફાળો સંવાદ થયો હતો. દાહોદ જિલ્લા માહિતી કચેરીના સહયોગથી યોજવામાં આવેલા આ સમારોહમાં મુદ્રણ તથા વિજાણુ માધ્યમના પત્રકારો સાથે જિલ્લાના સર્વાંગી વિકાસ માટે ફળદ્રુપ ચર્ચા કરવામાં આવી હતી. સાથે, જિલ્લાના તમામ મીડિયાકર્મીઓનંર સન્માન પણ કરવામાં આવ્યું હતું.
પત્રકાર સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડે જણાવ્યું કે, દાહોદ જિલ્લાના વિકાસમાં સ્થાનિક મીડિયાકર્મીઓની અસરકારક અને સકારાત્મક ભૂમિકા રહી છે. લોકોના પ્રશ્નોને વાચા આપવામાં આવે છે. તેને શાસનતંત્ર દ્વારા પ્રતિભાવ પણ આપવામાં આવે છે. અત્યારે વિકાસ પ્રત્યાયનનો સમય છે. ત્યારે, તેમાં પણ સ્થાનિક પત્રકારો પોતાનું યોગદાન આપી રહ્યા છે. આ બાબતની તેમણે ભારોભાર પ્રશંસા કરી હતી.
તેમણે એમ પણ જણાવ્યું કે, દાહોદ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો છે. ખાસ કરીને કડાણ ડેમ આધારિત સિંચાઇ યોજનાથી દાહોદ જિલ્લાના કૃષિક્ષેત્રમાં આમૂલ પરિવર્તન આવશે. જ્યારે, પાણી પુરવઠા બોર્ડની હાંફેશ્વર જળશાય આધારિત યોજનાથી દાહોદ નગર અને જિલ્લાના પીવાના પાણીનું નિરાકરણ આવશે.
સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે કહ્યું કે, મીડિયાને રચનાત્મક ટીકા કરવાનો અધિકાર છે. જે બાબતથી અધિકારીઓ કે જનપ્રતિનિધિઓ જે બાબતથી અજાણ હોય એ બાબતથી મીડિયા દ્વારા પદાધિકારીઓ અને અધિકારીઓ અવગત થાય છે. લોકોની સમસ્યા પણ જાણવા મળે છે. આ બાબતો અમારી કાર્યપદ્ધતિ માટે દિશાસૂચક બને છે.
દાહોદ જિલ્લાની પત્રકારઆલમની પ્રશંસા કરતા તેમણે એમ પણ કહ્યું કે, પત્રકારો લોકોને અસરકર્તા સમાચારો નિષ્પક્ષ રીતે લાવે છે. શાસન તંત્ર અને મીડિયા વચ્ચે સંવાદિતા અને સકારાત્મક વિચારોનું આદાનપ્રદાન થવું જરૂરી છે. તેમણે દાહોદના વિકાસ માટે ઉત્તમ સૂચનો કરવા પણ ઉપસ્થિત પત્રકારોને આહ્વાન કર્યું હતું.
પ્રારંભે નાયબ માહિતી નિયામક શ્રી રાજેન્દ્ર રાઠોડે શાબ્દિક સ્વાગતમાં કાર્યક્રમની ભૂમિકા સ્પષ્ટ કરી હતી અને દાહોદ જિલ્લા માહિતી કચેરી દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતો વર્ણવી હતી. બાદમાં દાહોદ માહિતી ખાતા દ્વારા દાહોદ જિલ્લાના વિકાસકામોને આવરી લઇ બનાવવામાં આવેલી દસ્તાવેજી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. દાહોદના વરિષ્ઠ પત્રકાર શ્રી શ્રેણિકભાઇ કોઠારી તથા શ્રી વિનોદભાઇ પટેલનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
તત્પશ્ચાત, કલેક્ટરશ્રી વિજય ખરાડી, જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસર, પ્રાંત અધિકારીશ્રી તેજસ પરમારે પત્રકારો સાથે ગોષ્ઠિ કરી હતી. કાર્યક્રમનું સંચાલન સિનિયર એડિટર શ્રી દર્શન ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમને સફળ બનાવવા માટે માહિતી મદદનીશ શ્રી મહેન્દ્ર પરમાર, ઉપરાંત શ્રી દીપક મોદી, શ્રી ઝૂઝર જાબુઆવાલા, શ્રી રાકેશ રાઠોડ, શ્રી જયદેવ વસાવા, શ્રી સંજય ડાંગીએ જહેમત ઉઠાવી હતી.

