બારીયા વન વિભાગની સહભાગી વન વ્યવસ્થા મંડળીઓને નિ:શુલ્ક વાંસ વિતરણ

સિંધુ ઉદય

મંડળીના સભ્યોને ૩,૭૯,૩૮૯ નંગ રૂ. ૧૩૨.૭૮ લાખ જેટલી રકમના વાંસ આપવામાં આવ્યા

આદિવાસી પરિવારો આ વાંસ થકી જુદી જુદી કલાત્મક વસ્તુઓ, ઘરવખરીની ઉપયોગી વસ્તુઓ બનાવીને સારી એવી આવક મેળવે છે

બારીયા વન વિભાગની બારીયા, ધાનપુર, લીમખેડા તાલુકાના વિસ્તારની ૨૯ મંડળીઓને પેસા એક્ટ ૨૦૦૩ ની જોગવાઇ મુજબ ૧૦૦ વાંસ વિના મૂલ્યે વિતરણ કરી મંડળીના સભ્યોને ૩,૭૯,૩૮૯ નંગ અંદાજીત કિંમત રૂ. ૧૩૨.૭૮ લાખ જેટલી માતબર રકમના વાંસ આપવામાં આવ્યા છે. આદિવાસી પરિવારો આ વાંસ થકી જુદી જુદી કલાત્મક વસ્તુઓ, ઘરવખરીની ઉપયોગી વસ્તુઓ બનાવીને સારી એવી આવક મેળવી લે છે.બારીયા વનવિભાગના નાયબ વનસંરક્ષક (આઇએફએસ) શ્રી આર.એમ. પરમાર જણાવે છે કે, બારીયા વન વિભાગ દ્વારા દર વર્ષે આ રીતે સહભાગી વન વ્યવસ્થા મંડળીઓને વાંસ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવે છે. જે આદિવાસી બાંધવોના જીવનધોરણમાં ગુણાત્મક પરિવર્તન લાવવામાં અતિસહાયક બન્યાં છે. આદિવાસી પરિવારો આ વાંસમાંથી વિવિધ કલાત્મક તેમજ ઘર ઉપયોગી વસ્તુઓ બનાવે છે. અને અહીંના હાટ બજાર તેમજ અન્ય જગ્યાએ તેનું વેચાણ કરીને સારી એવી આવક મેળવી લે છે. ગત વર્ષની વાત કરીએ તો વર્ષ ૨૦૨૧ માં બારીયા વન વિભાગની કુલ ૧૨ મંડળીઓને પેસા એક્ટ ૨૦૦૩ ની જોગવાઇ મુજબ વાંસ વિના મૂલ્યે વિતરણ કરી મંડળીના સભ્યોને અંદાજીત કિંમત રૂ. ૩.૬૪ કરોડ જેટલી માતબર રકમના વાંસ આપવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૯ મા સહભાગી વનવ્યવસ્થા મંડળીઓના સભ્યોને વનવિસ્તારમાંથી પેસા એક્ટ ૨૦૦૩ ની જોગવાઇ મુજબ ૧૦૦ ટકા વાંસ વિના મૂલ્યે વિતરણ પંચેલા ખાતે કરવામાં આવ્યો હતો. જેમાં પંચેલ, પાંચીયાસાલ, વટેડા મંડળીઓને વાંસ કુલ ૬૧૪૪૧ નંગ, ૪૨૨ લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા. જેની અંદાજીત કિમત રૂ. ૧૬ લાખની હતી. બારીયા વન વિભાગ હેઠળ કુલ ૮૧૫૩૬.૯૩ હેક્ટર વનવિસ્તારમાં આવેલો છે. જેમાં કુલ ૯ તાલુકા સાથે કુલ ૧૩ રેન્જનો સમાવેશ થાય છે. અત્યારે બારીયા વન વિભાગમાં સહભાગી વનવ્યવસ્થા યોજના હેઠળ કુલ ૨૮૯ મંડળીઓ કાર્યરત છે અને તે હેઠળ કુલ ૪૯૪૩૬ વનવિસ્તાર આવરી લેવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: