લગ્નની જાનમાંથી પરત આવતી વખતે ત્રણ મિત્રોને અકસ્માત નડયો છેએકનું મોત નિપજ્યું.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
લગ્નની જાનમાંથી પરત આવતી વખતે ત્રણ મિત્રોને અકસ્માત નડયો છે, એકનું મોત નિપજ્યું કઠલાલ ફાગવેલ પાસેના અમદાવાદ-ઈન્દોર હાઈવે પર બોલેરો ગાડીએ આગળ જતી બાઈકને બચાવવા જતાં બ્રેક મારી હતી. જેથી ગાડી પલ્ટી ખાઈ જતાં ચાલકનું મોત નિપજ્યું છે. જ્યારે બે યુવાનો ઘાયલ થયા છે. આ બનાવ મામલે કઠલાલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. કઠલાલ તાલુકાના પોરડા ફાગવેલ ખાતે રહેતા જયવીર રાઠોડ ઉ.વ.૨૮ ગઇ કાલે બોલેરો ગાડી લઈને પોતાના કુટુંબમાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં ગયા હતા. જયવીરે પોતાની સાથે તેના બે મિત્રો રાજેશભાઈ નારણભાઇ રાઠોડ (રહે.પોરડા ફાગવે) અને ધર્મેન્દ્રભાઈ કાળાભાઈ રાઠોડ (રહે.મહારાજાના મુવાડા) સાથે જાનમાં ગયા હતા. જાનમાંથી ત્રણેય મિત્રો પરત આવી રહ્યા હતા. તે સમયે ગાડી જયવીર ચલાવતો હતો ત્યારે કઠલાલના અમદાવાદ-ઈન્દોર હાઈવે પર ફાગવેલ કોલેજ પાસે આગળ જતી મોટરસાયકલે ટર્ન લેતાં તેને બચાવવા જતાં ગાડી ચાલકે એકદમ બ્રેક મારી હતી. આથી ગાડી રોડ પર પલટી ખાઈ ગઈ અને સાઈડમાં આવેલ ગટરમાં પડી હતી. ચાલક જયવીર રાઠોડને ગંભીર ઈજા પહોંચતાં ઘટના સ્થળે મોત નિપજયું હતું. જ્યારે અન્ય રાજેશભાઈ તેમજ ધર્મેન્દ્રભાઈને શરીરે ઈજઓ પહોંચતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ બનાવ મામલે સોમાભાઈ કેશવભાઈ રાઠોડે કઠલાલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.