ગાંધીનગરમાં ACB અધિકારીઓની પ્રથમ ચિંતન શિબિરનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી.
સિંધુ ઉદય
ગાંધીનગરમાં ACB અધિકારીઓની પ્રથમ ચિંતન શિબિરનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી.
ગાંધીનગર ખાતે એસીબીની પ્રથમ ચિંતન શિબિરનો રાજ્યના મુખ્યમંત્રીએ આરંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભ્રષ્ટાચાર સામે મક્કમતાથી જન આંદોલન ઉપાડ્યું છે. તેમણે કહ્યું કે, હવે દુનિયા આખીની નજર આજે ભારતમાં આવેલા બદલાવ અને વિકાસની ગતિ તરફ છે તેના મૂળમાં પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેવું સક્ષમ નેતૃત્વ અને સ્ટ્રોન્ગ પોલિટીકલ વિલ છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય સરકારના લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો ACBના અધિકારી-કર્મચારીઓની પ્રથમ ચિંતન શિબિરનો પ્રારંભ કરાવતા સંબોધન કરી રહ્યા હતા.મુખ્યમંત્રીએ ચિંતન શિબિરમાં સૌને પ્રેરણા આપતા મનનીય વક્તવ્ય દ્વારા પોતાની આધ્યાત્મિકતા અને વાકછટાનો આગવો પરિચય કરાવ્યો હતો. તેમણે કહ્યું કે, જે આપણા હકનું નથી તે કોઈ પાસેથી યેનકેન પ્રકારે મેળવવું કે પડાવી લેવું તે ધાર્મિક, આધ્યાત્મિક અને કાયદાકીય બધી જ રીતે ગુનો છે. આવા લોકોને ખુલ્લા પાડીને કે નશ્યત કરીને સમાજમાં દાખલો બેસાડવાની ભૂમિકા ACB કરે છે તેનો તેમણે વિશેષ ઉલ્લેખ કર્યો હતો. ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ખોટું કરનારાઓને સજાની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્રભાઇના નેતૃત્વમાં થઇ છે અને ઝિરો ટોલરન્સનો તેમનો ધ્યેય પણ સાકાર થઈ રહ્યો છે.મુખ્યમંત્રીએ કહ્યું કે, સુખની વ્યાખ્યા માત્ર ભૌતિક સુખ સગવડની જ નથી, આંતરિક સુખ જ સાચું સુખ છે.આજના સમયમાં ભૌતિક સુખની પાછળ મનુષ્ય રચ્યો-પચ્યો રહે છે. સુખની આવી અપેક્ષા પૂરી કરવા તેને આવકના અન્ય ઉપાયો, આવક મેળવવાના ખોટા રસ્તા કે હથકંડા અપનાવવા ની નોબત આવે છે. આવી આવકના સુખમાં તો પરિવારના સૌ ભાગીદાર બને, પરંતુ જ્યારે ગુનાની સજા થાય ત્યારે જે તે વ્યક્તિએ એકલા એજ ભોગવવી પડે છે. આ સંદર્ભમાં તેમણે વાલિયા માંથી વાલ્મીકી ઋષીનું ઉદાહરણ આપ્યું હતું.મુખ્યમંત્રીએ ACBના અધિકારીઓને પ્રોત્સાહિત કરતા ઉમેર્યું કે, ખોટું કરનારાને સજા તો થાય છે જ ત્યારે આપણે પણ સરકારના નિયમો પાળીએ અને અન્ય પાસે પણ પળાવીએ તે જરૂરી છે.ACB અધિકારીઓને ભ્રષ્ટાચાર-કરપ્શન સામેના જંગમાં ઢિલાશ ન પડવાની પ્રેરણા આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે, સરકાર પણ સાચા કામમાં તમારી પડખે છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારત@૨૦૪૭નો વડાપ્રધાનનો સંકલ્પ પાર પાડવામાં વિકસિત ગુજરાત થકી ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈમાં ACB કર્મીઓને પોતાનું અગ્રિમ યોગદાન આપવા પણ આહવાન કર્યુ હતું.રાજ્યની સ્કૂલના બાળકો પણ ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનમાં જોડાય તે હેતુથી લાંચ રૂશ્વત બ્યુરો દ્વારા ‘ભ્રષ્ટાચારની પોલ ખોલો’ વિષય પર એક નિબંધ સ્પર્ધાનું આયોજન સતર્કતા સપ્તાહ અંતર્ગત કરવામાં આવ્યું હતું. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના પ્રથમ ત્રણ નિબંધ લેખન વિજેતા વિદ્યાર્થીઓનું મુખ્યમંત્રીના હસ્તે આ શિબિરમાં સન્માન કરવામાં આવ્યું હતું.મુખ્ય સચિવ રાજકુમારે કહ્યું હતું કે, સમાજમાં ભ્રષ્ટાચારનું દુષણ અટકાવવા માટે આ ચિંતન શિબિર ખૂબ જ મહત્વની સાબિત થશે એટલું જ નહીં આ શિબિર આજના સમયની માંગ છે.ભ્રષ્ટાચાર એ સમાજમાં રહેલી ઉધઈ છે જે સમાજ અને દેશને અંદરથી ખોખલો બનાવે છે, વિકાસને અવરોધે છે. ભ્રષ્ટાચારના દૂષણને ડામવા માટે તંત્રમાં વધુને વધુ પારદર્શકતા લાવી પડશે. RTI જેવા મજબૂત કાયદાનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. કોઈ નાગરિક નથી ઈચ્છતો કે તે લાંચ આપે તો આપણે તેના આ સંકલ્પને સહયોગ કરવો જોઈએ.તેમણે કહ્યું હતું કે, ભ્રષ્ટાચારના દૂષણને અટકાવવા બંધારણમાં અનેકવિધ કાયદા અમલી છે તેનો મહત્તમ ઉપયોગ કરવો જરૂરી છે. લાંચ લેવાની જે મોડસ ઓપરેન્ડી જે તે લોકો દ્વારા અપનાવવામાં આવે છે તેનો પણ એક મેન્યુઅલ બહાર પાડવો જોઈએ જેથી સામાન્ય નાગરિકોમાં તેનાથી જાગૃતિ આવે અને ભ્રષ્ટાચાર અટકાવવામાં મદદરૂપ થઈ શકાય તેમ જણાવી મુખ્ય સચિવએ આ પ્રકારની પ્રથમ ચિંતન શિબિરની પહેલ બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા.લાંચ રૂશ્વત બ્યુરોના વડા શમશેરસિંગે રાજ્યમાં આ પ્રથમ ચિંતન શિબિરની રૂપરેખા આપતા કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા લાંચ રૂશ્વત અટકાવવા માટે ૧૦૬૪ ટોલ ફ્રી નંબર શરૂ કરવામાં આવ્યો છે જેનો નાગરિકો મહત્તમ ઉપયોગ કરીને ભ્રષ્ટાચાર વિરોધી ચળવળને સહયોગ કરી રહ્યા છે. એસીબી દ્વારા ભ્રષ્ટાચારની આ લડતને વધુ અસરકારક-ઝડપી બનવા આ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પૂર્વ લોકપાલ આઈ. પી . ગૌતમ, CBI- ACBના નિવૃત્ત અધિકારીઓ, પૂજય જ્ઞાન વત્સલ સ્વામી સહિતના તજજ્ઞોએ સહભાગી થઈને પોતાના વિચારો- અનુભવો શેર કર્યા હતા. લાંચ રૂશ્વત બ્યુરોના સંયુક્ત નિયામક મકરંદ ચૌહાણે આભારવિધિ કરી હતી.’ભ્રષ્ટાચારનો વિરોધ કરીએ રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત રહીએ’ના ધ્યેય મંત્ર સાથે યોજાયેલી આ ચિંતન શિબિરમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, રાજ્ય પોલીસવડા વિકાસ સહાય, તકેદારી આયોગ કમિશનર સંગીતા સિંઘ સહિત રાજ્યભરના એન્ટી કરપ્શન બ્યુરો – ACBના ઉચ્ચ અધિકારીઓ- અધિકારીઓ, વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા.