કઠલાલ બસ સ્ટેન્ડ નજીકના પાન પેલેસની આડમાં દારૂનો ધંધો કરતા ત્રણ ઇસમો ઝડપાયા.
નરેશ ગનવાણી નડિયાદ
કઠલાલ બસ સ્ટેન્ડ નજીકના પાન પેલેસની આડમાં દારૂનો ધંધો કરતા ત્રણ ઇસમો ઝડપાયા
કઠલાલ પોલીસ સ્ટેશનની હદમાંથી સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે કઠલાલમાં બસ સ્ટેન્ડ નજીકના પાન પેલેસની આડમાં ચાલતા દારૂના ધંધા પર દરોડો પાડ્યો હતો કુલ રૂપિયા ૧.૬૪ લાખનો વિદેશી દારૂ સાથે ૩ ની ધરપકડ કરી હતી. પોલીસે કુલ રૂપિયા ૨ લાખ ૩૮ હજાર ૭૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને કુલ ૬ સામે કઠલાલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. રાજ્યની સ્ટેટ મોનિટરીંગ સેલ પોલીસના માણસોએ બાતમીના આધારે ખેડા જિલ્લાના કઠલાલમાં એસટી ડેપો નજીક આવેલ ચિરાગ પાન પેલેસમાં પાન આડમાં વિદેશી દારૂનો ધંધો ચાલી રહ્યો છે. જે આધરે સર્ચ કરતા પાન પેલેસમાંથી વિદેશી દારૂની બોટલ તેમજ ત્યાં પાર્ક કરેલ વાહનની ડેકીમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. હાજર પાન પેલેસનો માલિક તુષાર પ્રભુભાઈ પટેલ (રહે.રંગીલા પોળ, કઠલાલ), અક્ષય જગદીશભાઈ પરમાર (રહે.ઈન્દિરાનગરી, કઠલાલ) અને જયદિપ જયેશભાઇ પટેલ (રહે.રામજી મંદિર ફળિયું, ભાનેર, કઠલાલ)ને પકડી લેવાયા હતા. અહીયાથી પકડાયેલા બે ટુ વ્હીલર વાહનો માં એક જયદિપ પટેલ અને અન્ય એક તુષાર પટેલના હોવાનું કબુલાત કરી હતી. વધુ દારૂનો જથ્થો કઠલાલ માર્કેટ રોડ ઉપર નર્સરીની બાજુમાં આવેલ ખેતરની ઓરડીમાં મૂક્યો હોવાની વિગતો પકડાયેલા આરોપીઓએ આપી હતી. જેથી પોલીસે બતાવેલ ખેતરની ઓરડીમાં પહોંચી તપાસ કરતા ત્યાંથી પણ મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ત્રણેય આરોપીઓની પુછપરછ કરવામાં આવતાં જેમાં તુષાર પ્રભુભાઈ પટેલ, અક્ષય જગદીશભાઈ પરમાર અને જયદિપ જયેશભાઇ પટેલ તમામ લોકો બુટલેગર મીતુલ મહેન્દ્ર પટેલ અને સંજય ચૌહાણ (બંને રહે.મહુધા) પાસેથી આ દારૂનો જથ્થો લાવી વેચાણ કરતા હતા. તેમજ આ બંને બુટલેગરો આ ત્રણેય વ્યક્તિઓને રૂપિયા 15 હજાર માસિકથી નોકરીએ રાખ્યા હોવાની વિગતો બહાર આવી હતી. પોલીસે કુલ રૂપિયા ૨ લાખ ૩૮ હજાર ૭૦૦નો મુદ્દામાલ જપ્ત કરી કુલ ૬ સામે પ્રોહિબીશનનો ગુનો નોંધી ફરાર બનેલા વ્યક્તિઓને શોધવા ચક્રોગતિમાન કર્યા છે.

