કલેક્ટર કચેરી ખાતે ઈએમએમસી કન્ટ્રોલ રૂમ અંતર્ગત માહિતી કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું

નરેશ ગનવાણી નડિયાદ

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ના ઉપલક્ષે જિલ્લા કલેક્ટર કચેરી, નડિયાદ ખાતે ઇલેક્ટ્રોનિક મીડિયા મોનીટરીંગ કંટ્રોલરૂમ અંતર્ગત બનાવવામાં આવેલ માહિતી કેન્દ્રનું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર  અમિત પ્રકાશ યાદવે ઉદ્દઘાટન કર્યું હતું.

ઇલેક્ટ્રોનિક મીડિયા મોનીટરીંગ કંટ્રોલ રૂમ અંતર્ગત શરૂ કરવામાં આવેલ માહિતી કેન્દ્રમાં ખેડા લોકસભાના મતવિસ્તારો, જિલ્લાનાં ચૂંટણી અધિકારીઓની માહિતી, ચૂંટણીલક્ષી ફરિયાદ તથા માહિતી માટેના ટોલ-ફ્રી નંબર, મતદારોની આંકડાકીય માહિતી, વિશિષ્ટ મતદાન મથકો, સહિત ચૂંટણીના અગત્યના અધિકારીઓની યાદી જેવી અગત્યની માહિતીની પ્રદર્શની જિલ્લા માહિતી કચેરી, નડિયાદ દ્વારા તૈયાર કરવામાં આવી છે. માહિતી કેન્દ્ર ઉદ્દઘાટન પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી અમિત પ્રકાશ યાદવે ઇલેક્ટ્રોનિક મીડિયા મોનીટરીંગ કમિટીના કર્મચારીઓને ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ સંબંધિત જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ચૂંટણી દરમિયાન શાંતિમય વાતાવરણને ડહોળવા માટે ફેક ન્યુઝ મારફતે ખોટા પ્રચાર- પ્રસાર થતા હોય છે. જેથી ચૂંટણી શાંતિમય વાતાવરણમાં સંપન્ન થાય તે માટે જિલ્લા કલેકટર કચેરી ખાતે ખાસ ઇલેક્ટ્રોનિક મીડિયા મોનીટરીંગ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. આ કંટ્રોલ રૂમમાં ૩ ટેલિવિઝન સેટ થકી સ્થાનિક ચેનલ અને રાજ્ય લેવલની ન્યુઝ ચેનલમાં ખેડા જિલ્લા તથા ખેડા લોકસભા મતવિસ્તારને લગતા ચૂંટણીલક્ષી સમાચારોનું ખાસ મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત આ ઇએમએમસી કંટ્રોલ રૂમ ખાતે સોશિયલ મીડિયા મોનિટરિંગની પણ ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જેના દ્વારા ચૂંટણી સમય દરમ્યાન ફેક ન્યુઝ, ખોટી માહિતી તથા આચારસંહિતાનું ઉલ્લંઘન કરતી રાજકીય પક્ષોની તથા ઉમેદવારોની પોસ્ટ પર નજર રાખી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. આમ, ઇલેક્ટ્રોનિક મીડિયા તથા સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ચૂંટણીના વાતાવરણને ડહોળવાનો પ્રયાસ અને આદર્શ આચારસંહિતાનો ભંગ થતો હોય તેવા સમાચારો તથા જાહેર ખબરો પર નજર રાખવાની કામગીરી આ કંટ્રોલ રૂમમાં થઈ રહી છે. આ પ્રસંગે અધિક નિવાસી કલેકટર ભરત જોશી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી  કુસુમ સુધીર પ્રજાપતિ,  નાયબ માહિતી નિયામક નિત્યા ત્રિવેદી સહિત માહિતી કચેરીનો સ્ટાફ, ચુંટણી શાખાના કર્મચારીઓ અને ઇલેક્ટ્રોનિક મીડિયા મોનીટરીંગ કંટ્રોલરૂમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: