વીજ વિભાગ દ્વારા પૂરતો વીજ પુરવઠો આપવામાં ન આવતો હોવાથી ખેડૂતો પરેશાન
નરેશ ગનવાણી નડિયાદ
કપડવંજ વીજ વિભાગ દ્વારા તાલુકાના દક્ષિણ વિભાગમાં જરૂરિયાત પૂરતો વીજ પુરવઠો આપવામાં ન આવતો હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ખેડૂતો દ્વારા પુરતાં વોલ્ટથી વિજ પુરવઠો આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે.
કપડવંજ તાલુકાના દાણા, વાસણા, અંકલઈ, ગાડિયારા, તંથડી, વેણીપુરા અને આંબલીયારા જેવા ગામોમાં આવેલ ખેતીવાડી માટેના બોર કુવાઓ પર લીધેલ ખેતીવાડી વીજ કનેક્શનમાં ઘણા સમયથી વીજળીના મળવાપાત્ર પુરા ૪૫૦ વીજ વોલ્ટને બદલે ૩૫૦ વોલ્ટથી જ વિજળી આપવામાં આવી રહી છે. વોલ્ટેજની મુશ્કેલીને કારણે ખેડૂતોના બોરકુવાની મોટર વારંવાર બળી જતાં પાકમાં સમયસર પાણી નહીં મળવાથી પુરતું ઉત્પાદન મેળવી શકતા નથી. જેને કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત મોટર મેન્ટેનન્સ પાછળ પણ ભારે ખર્ચ થઈ રહ્યો છે. ખેડૂતોના જણાવ્યાનુસાર, ઘણા સમયથી એમજીવીસીએલ કપડવંજ ગ્રામ્ય દ્વારા ૩૫૦ વોલ્ટ વીજળી આપવાથી આ વિસ્તારના અનેક ખેડૂતોને કુવાની મોટરો તેમજ લાઇટ સાધનો બળી જવાથી આર્થિક રીતે નુકસાન ભોગવવું પડે છે. ઉમેશભાઈ ખેડૂતે જણાવ્યું કે અમારા વિસ્તારમાં ઓછા વોલ્ટેજનો પ્રોબ્લેમ ઘણા સમયથી છે. મેં અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો વીજ વિભાગને કરેલી છે. પરંતુ હજુ સુધી તેનો નિવેડો આવેલો નથી. ઓછા વોલ્ટેજને પરિણામે ખેડૂતોને હાલાકી વેઠવી પડી રહી છે અને સ્થિતિ કફોડી બની છે. તાત્કાલિક અસરથી લો વોલ્ટેજનો પ્રોબ્લેમ દૂર કરવામાં આવે તેવી મારી માંગ છે.