મહુધા પાસે મહિલાનો ગળે દુપટ્ટાથી ટૂપો દીધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો
નરેશ ગનવાણી નડિયાદ
મહુધાની નાની ખડોલ ગામની સીમમાં ગઇકાલે સાંજે મહિલાનો મૃતદેહ ગામના ખેતરના શેઢા પરથી ગળે દુપટ્ટાથી ટૂપો દીધેલી હાલતમાં મળી આવ્યો હતો. આ બનાવ મામલે મહુધા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહુધા તાલુકાના ખુટજ ગામે ઈરફાનભાઈ નબીભાઈ મલેક રહે છે. તેમની મોટી બહેન સુમૈયા ને નાની ખડોલ ગામે નજીરભાઈ સાથે પરણાવી હતી. આ દંપતીને સંતાનમાં એક દીકરો અને દીકરી છે અને નજીરભાઈ પોતે મજુરી કામ કરે છે. ઈરફાનભાઈ મલેક ગતરોજ નાની ખડોલ ગામની સીમમાં છાપરૂ રીપેરીંગના કામે આવ્યા હતા. આ દરમિયાન તેમની પત્નીનો ફોન આવ્યો હતો અને નાની ખડોલ જાવ સુમૈયાબેનને શું થયુ તે જોઈ આવો તેમ કહ્યું હતું.
જેથી ઈરફાનભાઈ નાની ખડોલ ગામની સીમમાં મોટી બહેનના ઘરે જવા નીકળ્યા હતા. તે વખતે રસ્તામાં તેઓને જાણવા મળ્યું કે સુમૈયાબેનનો મૃતદેહ નાની ખડોલ સીમમાં આવેલા ખેતરના શેઢા નીચે અવઢ આરાવાડી નારમાં પડેલ છે. જેથી તેઓ ત્યાં પહોંચતા પોતાની મોટીબેન સુમૈયા નાના ઝાડની નીચે મૃતહાલતમા પડેલ હતી. આ ઉપરાંત ગળે દુપટ્ટાથી ટૂપો દીધેલી હાલતમાં અને ચહેરા અને માથાના ભાગે ઈજાઓ થઈ હોવાનું તેમને જાણવા મળ્યું હતું. આ બનાવ સંદર્ભે ઈરફાનભાઈ મલેકે મહુધા પોલીસને જાણ કરતા પોલીસે તેમની ફરિયાદના આધારે ગુનો નોંધી પોલીસે એફએસએલ, ડોગ સ્ક્વોડ સહિતની ટીમો દ્વારા તપાસ હાથ ધરી છે.