પાણીની સમસ્યાના કારણે રહીશોએ માટલાં ફોડીને વિરોધ કર્યો
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ પશ્ચિમ વિસ્તારની સોસાયટીમાં પાણી ન આવવાને કારણે રહીશો પરેશાન થઇ ગયા છે. શનિવારે રહીશોએ માટલાં ફોડીને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જોકે, વિજ વિભાગે લાઇન તોડી હોવાનું ખુલ્યા બાદ પાલિકા દ્વારા હાલમાં મરામતની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.
નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં શારદા મંદિર, માઇ મંદિર સહિતના વિસ્તારોમાં છેલ્લા એકાદ અઠવાડિયાથી અનિયમિત પાણી આવતું હોવાનું અને કેટલીક સોસયાટીઓમાં પાણી જ ન આવતું હોવાને લઇને રહીશો પરેશાન થઇ ગયા છે. જેને લઇને રહીશો દ્વારા માટલાં ફોડીને પોતાનો આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જોકે, વિજ વિભાગ દ્વારા કામગીરી દરમિયાન પાણીની લાઇન તૂટી હોવાનું ધ્યાને આવ્યા બાદ હાલમાં પાલિકા દ્વારા તેની કામગીરી શરૂ કરવામાં આવી છે. રવિવારે સાંજે અથવા સોમવારે સુધીમાં પાણી પુરવઠો નિયમિત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પાલિકા દ્વારા સત્વરે ભંગાણની મરામત કરીને પુરતો અને નિયમિત પુરવઠો આપવામાં આવે તેવી માંગ રહીશો દ્વારા કરવામાં આવી રહી છે. આ મામલે પાલિકાના પાણી પુરવઠા વિભાગના અધિકારીનો સંપર્ક સાધતાં તેઓએ જણાવ્યું હતું કે, જીઇબીની કામગીરી દરમિયાન લાઇન તૂટી છે અને અમે સત્વરે મરામત પૂર્ણ કરી પાણી પુરવઠો આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
