ઓછા વરસાદની સ્થિતિમાં પણ મબલક પાક લેવાના કારગત ઉપાયો

દાહોદ તા.૯
સામાન્ય રીતે ખેડૂતો પોતાના સ્વાનુભવે પાક આયોજન કરતા જ હોય છે, પરંતુ ઘણી વખત કુદરતી વિષમ પરિસ્થિતિ ઉભી થતી હોય છે કે તેમનું આયોજન નિષ્ફળ જાય છે અને ખેડુતોને આર્થિક નુકશાન વેઠવું પડે છે. અત્યારે દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાં મકાઈનું વાવેતર કરવામાં આવ્યું છે. ચાલુ સિઝનમાં ઓછો વરસાદ પડવાના કારણે પાણીની ખેંચ મોટા ભાગના પાકોમાં જણાય છે. આ સંજોગોમાં ખેડૂતોએ આકસ્મિક પાક આયોજનનો કેવી રીતે અમલ કરવો તે બાબતે જિલ્લા ખેતીવાડી અધિકારી, દાહોદે માહિતી આપી છે.
ઓછો વરસાદ અને અછતની પરિસ્થિતીમાં ચોમાસુ ઋતુમાં પાકો જેવા કે બાજરી, દિવેલા, અને કઠોળ પાકો જેવા કે તુવેર, મગ, અડદ, મઠ, ગુવાર અને ચોળી થઇ શકે છે. આ ઓછા વરસાદવાળા અને સૂકી ખેતીની પરિસ્થિતિમાં સફળતાપૂર્વક પાકો ઉગાડવા માટે આ મુજબ આયોજન કરી શકાય. ખેતરમાં વરસાદી પાણીના સંગ્રહ માટે પાળા તેમજ જમીન સમતલ કરવી, પાકને યોગ્ય સમયે વાવણી કરવી, ઢાળની વિરૂધ્ધ દિશામાં ખેડ તેમજ પાકની વાવણી કરવી, વધુ માત્રામાં સેન્દ્રિય ખાતરો જેવા કે છાણીયુ ખાતર, કમ્પોસ્ટ, વર્મિકમ્પોસ્ટ અને ખોળનો ઉપયોગ કરવો, પૂરતા પ્રમાણમાં ભેજ હોય ત્યારે વાવણી સમયે ખાતર આપવું અથવા પાણી આપ્યા બાદ પૂરતું ખાતર આપવું, જો શક્ય હોય તો પહોળા અંતરે વવાતા પાકમાં સૂક્ષ્મ પિયત પદ્ધતિનો અને સાંકડા ગાળે વવાતા પાકમાં ફુવારા પિયત પદ્ધતિનો ઉપયોગ કરવો, જરૂરીયાત મુજબ આંતરખેડ, નીંદામણ અને પાક સંરક્ષણના પગલા લેવા, મીશ્ર પાક અને આંતર પાક પદ્ધતિ અપનાવવી, પટ્ટી પાક પદ્ધતિમાં પાકો ઉગાડવા, જીવન રક્ષક પિયત માટે ફાર્મ પોન્ડ (ખેત તલાવડી) બનાવવી

મુખ્યત્વે ૧૫ જુન થી ૧૫ સપ્ટેમ્બર સુધીના સમયગાળાને ચોમાસું સીઝન ગણી શકાય. આ સીઝનમાં વરસાદ પડવાની પેટર્નમાં બદલાવ આવે ત્યારે ચોમાસું સીઝનમાં પાક આયોજન બદલવું પડે છે. જો ચોમાસું મોડુ શરૂ થાય તો નીચે મુજબ પાક અને તેની જાતની પસંદગી કરવી. ઘાસચારાના પાકોને પ્રાધાન્ય આપી ઘાસચારાના પાકો હેઠળનો વિસ્તાપર વધારવો, રોપાણડાંગરના પાકની એસ.આર.આઈ. (શ્રી) પદ્ધતિથી રોપણી કરવી, સોયાબીનનું વધુ ઉત્પાદન મેળવવા એન.આર.સી. ૩૭ જાતને ચોમાસાની શરૂઆતમાં વાવણી કરવાની ભલામણ કરવામાં આવે છે, વરસાદ આધારીત ખેતી માટે ઓરાણ ડાંગરની જાત ડી.ડી.આર. ૯૭ અને અશોકા ૨૦૦ એફ ની ભલામણ કરવામાં આવે છે, વરસાદ આધારીત ખેતી વિસ્તારમાં મકાઇની વહેલી પાકતી જાત ગુજરાત આણંદ પીળી મકાઇ સંકર ૧ અને ગુજરાત આણંદ સફેદ મકાઇ સંકર ૨ ની બિન પિયત ચોમાસુ ખેતી માટે ભલામણ કરવામાં આવે છે, અર્ધ શિયાળુ દિવેલાનું વાવેતર કરતા ખેડૂતોને જી.સી.એચ. ૭ જાતનું ૧૦ થી ૨૫ સપ્ટેમ્બર સુધીમાં ૧૨૦ x ૭૫ સે.મી.ના અંતરે વાવેતર કરવાની ભલામણ કરવામાં આવે છે.
#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: