સાસરિયાના ત્રાસથી પરણીતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
નરેશ ગનવાણી નડિયાદ
કઠલાલ તાલુકામાં સાસરીયાઓના ત્રાસથી પરિણીતાએ પંખેથી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું આ મામલે પરિણીતાના પિયરપક્ષ દ્વારા એકની એક દિકરીને આપઘાત માટે દુત્પ્રેરણા આપનાર પતિ અને સાસુ સસરા વિરુદ્ધ કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કઠલાલના અભિપુરમાં રહેતા મનુભાઈ રામાભાઈ ડાભીએ તેમની ૨૨ વર્ષીય દિકરી પુષ્પાબેનના લગ્ન
બેએક વર્ષ પહેલાં કઠલાલના અનારા તાબે બાજકપુરામાં રહેતા પૃથ્વીરાજસિંહ રમેશભાઈ સોઢા પરમાર સાથે કર્યા હતા. લગ્નના એકાદ વર્ષ સુધી લગ્નજીવન સુખેથી ચાલતું હતું. ત્યારબાદ પુષ્પાએ ફોન કરી તેમના પતિનો અન્ય કોઈ સ્ત્રી સાથે અફેર હોવાનો શક વહેમ હોવાનું બે ત્રણ વખત પિયરપક્ષને જણાવ્યું હતું. સાસુ સસરા પણ કામકાજ બાબતે શારિરીક માનસિક ત્રાસ આપતા હોવાનું જણાવ્યુ હતું. પણ દિકરીનો ઘરસંસાર બગડે નહીં તેથી પિયરપક્ષ સમજાવીને સાસરીમાં મુકી આવતા હતા. અઢી એક માસ અગાઉ પુષ્પાએ ફોન કરી સાસરીયા ત્રાસ આપતા હોવાથી તેડી જાઓ કહેતા મનુભાઈના પરિવારજનો તેને પિયર લઈ આવ્યા હતા. જ્યાં પાંચેક દિવસ રોકાયા બાદ સાસરીપક્ષ પૃથ્વીરાજને સમજાવીશું કહીને પુષ્પાને તેડી ગયા હતા. બાદ આજે શનિવારના રોજ પુષ્પાએ સાસરીમાં પંખે લટકી આપઘાત કરી લીધો હોવાની જાણ થતાં મનુભાઈનો પરિવાર બાજકપુરા દોડી ગયો હતો. આ મામલે તેમણે પૃથ્વીરાજ, તેના પિતા રમેશભાઈ, અને સાસુ કોકિલાબેન વિરુદ્ધ કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
