કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાય તો તરત જ તબીબને બતાવવા કલેક્ટર શ્રી વિજય ખરાડીની અપીલ : માસ્ક એ કોરોનાને પરાસ્ત કરવા માટે સૌથી મોટું હથિયાર છે
કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાય તો તરત જ તબીબને બતાવવા કલેક્ટર શ્રી વિજય ખરાડીની અપીલ
માસ્ક એ કોરોનાને પરાસ્ત કરવા માટે સૌથી મોટું હથિયાર છે
દાહોદ, તા. ૨૭ : દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે કલેક્ટર શ્રી વિજય ખરાડીએ જિલ્લાના નાગરિકો અને ખાસ કરીને યુવાનોને કોરોના સંક્રમણ સામે ખાસ સાવચેતી રાખવા અપીલ કરી છે.
તેમણે જણાવ્યું છે કે, દાહોદ જિલ્લા અને ખાસ કરીને શહેરમાં સૌ નાગરિકોને અપીલ છે કે જયારે પણ શરદી-ખાંસી-તાવ જેવા લક્ષણો જણાય કે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય અને સ્વાદ અને ગંઘની પણ ખબર પડતી ન હોય એવા કિસ્સામાં તરત ડોક્ટરને બતાવવું જોઇએ અને કોઇ પણ ડર વિના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો જોઇએ તો જ આપણે જિલ્લામાં અને શહેરમાં કોરોના સંક્રમણને અટકાવી શકીશું. આ બધા લક્ષણો જણાય ત્યારે જેટલી ઝડપથી આપણે સેલ્ફ રિપોર્ટીગ કરીશું એટલી ઝડપથી આપણે કોરોનાને અટકાવી શકીશું.
તેમણે જણાવ્યું કે, નાગરિકો ઘરમાં પણ માસ્કનો ઉપયોગ કરે એ વધુ હિતાવહ છે કારણ કે માસ્કએ કોરોના સંક્રમણ સામે સૌથી મોટું હથિયાર છે. સંક્રમણને માસ્કના ઉપયોગ થકી અટકાવી શકાય છે. ખાસ કરીને ઘરમાં નાના બાળકો હોય કે ૬૦ વર્ષથી ઉપરના વડીલો હોય કે અન્ય મોટા રોગોથી ગ્રસ્ત હોય તેવા પરીજનો હોય ત્યારે માસ્ક ખૂબ જરૂરી બની જાય છે.
તેમણે ઉમેર્યું કે, દાહોદ જિલ્લાના યુવાનોને અપીલ છે કે કામ વગર ઘર બહાર ન નીકળીએ. કારણ કે આ રીતે કોરોનાના વાહક બની જઇને આપણે ઘરના બાળકો, વડીલોને પણ સંકટમાં મૂકી શકીએ છીએ. ઉપરાંત જે લોકો સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય તેઓ ૧૪ દિવસના હોમ કવોરન્ટાઇનનં પાલન કરે અને ૧૪ દિવસ સુધી ઘરમાં જ રહે અને કોઇ પણ પ્રકારના સંક્રમણના લક્ષણો જણાય તો તરત જ સર્વે ટીમને જાણ કરે.
તેમણે જણાવ્યું કે, જેઓ કોરોના સંક્રમણનો રીપોર્ટ આવ્યા બાદ જે લોકોને કોરોનાના હળવા લક્ષણો છે અને હોમ આઇસોલેટ થવાની સગવડ ધરાવે છે તેમને હોમ આઇસોલેશનમાં રહેવા દઇએ છીએ. તેમનું પણ મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફ દ્વારા ખાસ કાળજી અને સંપર્ક રાખવામાં આવે છે. હોમ આઇસોલેટ થનારે પણ ખૂબ સાવચેતી રાખવી અને ઘરે જ રહેવું. કોરોના સંક્રમણ સામે સાવચેતી જ એ બચાવ છે.
#Sindhuuday Dahod

