ખેડાના માતરમાં ગુમ થયેલા યુવકનો મૃતદેહ કૂવામાંથી મળ્યો
નરેશ ગનવાણી નડિયાદ

માતર તાલુકાના ભલાડા ગામમાં રહેતા યુવક જયદીપ નો મૃતદેહ અવાવરુ કુવામાંથી મળી આવ્યો છે. યુવક બે દિવસથી ગુમ હતો.
જયદીપ ૧૪મી એપ્રિલના રોજ સવારે ૯ વાગ્યે કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયો હતો. પરિવારજનોએ તેની ગુમ થવા અંગેની ફરિયાદ લીંબાસી પોલીસ મથકે નોંધાવી હતી. આજે બુધવારે તેનો મૃતદેહ ગામના ભાગોળે આવેલા કુવામાંથી મળી આવ્યો છે.
મૃતકના પિતા પ્રકાશભાઈ જણાવ્યાં મુજબ, પોલીસે ગુમ થયાની ફરિયાદ પછી કોઈ યોગ્ય તપાસ કરી નથી. જો પોલીસે સમયસર કોલ ડિટેઇલ્સ દ્વારા તપાસ કરી હોત તો કદાચ તેમના પુત્રને બચાવી શકાયો હોત.
ઘટનાની જાણ થતાં ગામલોકો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા અને રોષ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક ધારાસભ્યની હાજરીમાં મામલો શાંત પડ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસે અકસ્માત મોતનો કેસ નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પરિવારજનોએ ન્યાયની માંગ કરી છે.
