વિકાસશીલ લીમખેડા અને ફતેપુરા તાલુકાના સર્વાંગી વિકાસના આયોજનની પ્રશંસા કરતા સચિવ શ્રી રૂપવંતસિંહ

૦૦૦
વિકાસશીલ તાલુકાના પ્રભારી સચિવ શ્રી રૂપવંતસિંહની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન ખાતે સમીક્ષા બેઠક યોજાઇ
૦૦૦
વિકાસશીલ તાલુકાઓના વિવિધ સૂચકાંકોને ધ્યાનમાં રાખી કરવામાં આવેલા આયોજનની કરાઇ વિસ્તૃત સમીક્ષા
૦૦૦
દાહોદ, તા. ૧૧ : દાહોદ જિલ્લા સેવા સદન ખાતે વિકાસશીલ તાલુકાઓ લીમખેડા અને ફતેપુરાના વર્ષ ૨૦૨૦-૨૧ માટેના આયોજનની સમીક્ષા બેઠક ગુજરાત સરકારના (ખર્ચ) નાણા વિભાગના સચિવશ્રી અને વિકાસશીલ તાલુકાના પ્રભારી સચિવ શ્રી રૂપવંતસિંહની અધ્યક્ષતામાં આજ રોજ યોજાઇ હતી. તેમણે બંને તાલુકાઓના વિકાસ માટેના સચોટ આયોજનની પ્રશંસા કરી હતી અને મહત્વનાં સૂચકાંકોને કેન્દ્રમાં રાખીને ઝડપભેર વિકાસ કામોમાં લાગી જવા જણાવ્યું હતું.
બેઠકમાં લીમખેડા અને ફતેપુરા તાલુકાઓમાં આરોગ્ય, શિક્ષણ, સિંચાઇ, કૃષિ,પશુપાલન, માળકાકીય સુવિધાઓ વગેરે જેવા મહત્વનાં સૂચકાંકો બાબતે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને આ બાબતની યોજનાઓમાં થયેલી કામગીરી અને પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. વિકાસશીલ તાલુકાઓના પ્રભારી સચિવ શ્રી રૂપવંતસિંહે વર્ષ ૨૦૨૦-૨૧ માટેના કરવામાં આવેલા આયોજનની સરાહના કરી હતી. તેમણે બંને તાલુકા માટેનું આયોજન ઉત્તમ અને સચોટ હોવાનું જણાવી કહ્યું હતું કે, ગત બે વર્ષના આયોજનનું પણ વહીવટી તંત્ર દ્વારા સરસ અમલીકરણ કરવામાં આવ્યું હતું. આ વર્ષેના આયોજનને પણ તંત્ર દ્વારા સચોટ રીતે પૂરૂ કરવામાં આવે તો વિકાસશીલ તાલુકાઓમાં પ્રગતિ નોંધપાત્ર બનશે.
બેઠકમાં સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે કેટલાંક મહત્વના સૂચનો કર્યા હતા. તેમણે અતિકુપોષિત બાળકોના પરિવારને દૂધાળા પશુ આપવા માટે સૂચન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, જિલ્લામાં કુપોષણ મોટી સમસ્યા છે. અતિકુપોષિત બાળકોના પરિવારને દુધાળા પશુ આપવાથી તેમને રોજગારી મળશે. બાળકને રોજેરોજનું પોષણ મળશે અને કુંટુંબની સામાજિક સ્થિતિમાં સારો એવો ફર્ક જોવા મળશે.
જિલ્લા કલેક્ટર શ્રી વિજય ખરાડીએ બેઠકમાં એક પ્રેઝન્ટેશન દ્વારા બંને તાલુકાઓનું વર્ષ ૨૦૨૦-૨૧ માટેના આયોજનની રૂપરેખા દર્શાવી હતી. ઉપરાંત ગત બે વર્ષ દરમિયાન પૂર્ણ કરવામાં આવેલા વિકાસ કામો અને પ્રગતિ હેઠળના વિકાસ કામોની માહિતી આપી હતી. બેઠકમાં વિકાસશીલ તાલુકાઓના મહત્વનાં સૂચકાંકોની દિશામાં નક્કી કરવામાં આવેલા લક્ષ્યાંકોની પ્રાપ્તિ માટે કરવામાં આવેલા કાર્યો અને સિદ્ધિઓ વિશે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લા ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા , જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજ, જિલ્લા આયોજન અધિકારી શ્રી કે. એસ. ગેલાત, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ડી. બી. પટેલ, જિલ્લા પશુપાલન અધિકારી ડો. કમલેશ ગોસાઇ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: