દાહોદના લીમડી નગરમાંથી પોલીસે ટેકનોલોજી ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડાઓ શોધી કાઢ્યાં
દાહોદ તા.૦૭
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં પોલીસે ટેકનોલોજીનો ઉપયોગ કરી ડ્રોન કેમેરાની મદદથી લીમડી નગર વિસ્તારમાં ધમધમતી દેશ દારૂની ભઠ્ઠીઓને શોધી કાઢી દેશી દારૂનો જથ્થો કબજે કર્યાનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લામાં અગાઉ પણ પોલીસ તંત્રની ટીમો દ્વારા દાહોદ જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાંથી ટેકનોલોજીની મદદથી ડ્રોન મારફતે નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત કરી હતી અને તેની સાથે સાથે દેશી તેમજ વિદેશી દારૂનો જથ્થો તેમજ તે ઉપરાંત ગાંજાના ગેરકાયદેસર વાવેતર પણ ઝડપી પાડ્યાં હતાં. દાહોદ પોલીસની આ ટેકલોનોજીના વખાણ ગૃહ રાજ્ય મંત્રી દ્વારા પણ કરવામાં આવ્યાં હતાં ત્યારે આ દિશામાં દાહોદ પોલીસે વધુ એક સિધ્ધિ પ્રાપ્ત કરી છે જેમાં ઝાલોદની લીમડી પોલીસને મળેલ બાતમીના આધારે લીમડી નગરમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાની પોલીસને બાતમી મળી હતી. આ બાતમીના આધારે લીમડી પોલીસે ગતરોજ લીમડી નગર વિસ્તારમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી પાડી હતી. આ કામગીરીમાં લીમડી પોલીસે દેશી દારૂનો જથ્થો તેમજ દેશી દારૂ બનાવવા વપરાતી સામગ્રી તેમજ સાધનનો પણ કબજે કર્યા હતાં.

