નડિયાદના વિકાસ માટે રૂ. ૨૯.૨ કરોડના પ્રોજેક્ટ્સને મંજૂરી: શહેર બનશે વધુ સુવિધાયુક્ત અને આધુનિક
નરેશ ગનવાણી નડિયાદ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે નડિયાદ શહેરના સર્વાંગી વિકાસ માટે રૂપિયા ૨૯.૨. કરોડના વિવિધ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આ ભંડોળનો ઉપયોગ શહેરના માળખાકીય સુવિધાઓને મજબૂત બનાવવા માટે થશે, જેનો મુખ્ય હેતુ નગરજનોને આધુનિક અને સુવિધાયુક્ત જીવનશૈલી પૂરી પાડવાનો છે. આ વિકાસ કાર્યોમાં સૌથી મહત્ત્વનો પ્રોજેક્ટ રૂપિયા ૧૮ કરોડના ખર્ચે નડિયાદ મહી કેનાલ કોલેજ રોડથી ડીમાર્ટ ચોકડી સુધીના માર્ગને ‘આઈકોનિક રોડ’ તરીકે વિકસાવવાનો છે. આ રોડનું સંપૂર્ણપણે નવીનીકરણ કરીને તેનું સૌંદર્યીકરણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં ડીમાર્ટ ચોકડી પર જંકશન ડેવલપમેન્ટ, આધુનિક સ્ટ્રીટ લાઇટ, ફર્નિચર, વૃક્ષારોપણ, વિશાળ ફૂટપાથ અને અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમનો સમાવેશ થાય છે. નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ જણાવ્યું છે કે આ રોડ શહેરનું એક નજરાણું બનશે અને તેનું ટેન્ડર પણ બહાર પાડી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત, અન્ય અનેક મહત્ત્વના પ્રોજેક્ટ્સ પણ હાથ ધરવામાં આવશે. જેમાં રૂપિયા ૪ કરોડના ખર્ચે શાળા નંબર ૫, ટેલિફોન એક્સચેન્જ સામે એક નવીન લાઇબ્રેરીનું નિર્માણ, નડિયાદ રેલવે સ્ટેશન પાસે રૂપિયા ૨ કરોડના ખર્ચે નવું સિટી બસ સ્ટેન્ડનું નિર્માણ, અને ઉત્તરસંડા પમ્પિંગથી ઓક્સિડેશન પોન્ડ સુધી રૂપિયા ૧.૫૦ કરોડના ખર્ચે રાઇઝિંગ મેઇનની કામગીરીનો સમાવેશ થાય છે. વધુમાં, નડિયાદ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ગામોમાં રૂપિયા ૧.૮૦ કરોડના ખર્ચે સ્ટ્રીટ લાઇટની સુવિધા ઉપલબ્ધ કરાવાશે, અને પમ્પિંગ સ્ટેશનોમાં રૂપિયા ૧.૯૦ કરોડના ખર્ચે ૧૧ નવા ડી.જી. સેટ્સ મૂકવામાં આવશે. આ તમામ પ્રોજેક્ટ્સનો હેતુ નડિયાદના નાગરિકોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવાનો છે.

https://shorturl.fm/jBo0i