દાહોદના નિવાસી અધિક કલેક્ટર શ્રી એમ.જે. દવેની તમામ સાવચેતીઓ સાથે આગામી તહેવારોની ઉજવણી કરવા અપીલ
આગામી દિવાળી-નુતન વર્ષના તહેવારોને લઇને લોકોમાં ઉમંગ-ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. પણ તહેવારના ઉમંગમાં કોરોના મહામારીનું જોખમ વિસરાય નહી એ પણ એટલું જ જરૂરી છે. છેલ્લા અઠવાડિયામાં જયારે દાહોદમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં ઉછાળો આવ્યો છે ત્યારે જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર શ્રી એમ.જે. દવેએ નાગરિકોને આ સપરમા તહેવારોની ઉજવણી ખાસ સાવધાની સાથે કરવા જણાવ્યું છે.
નિવાસી અધિક કલેક્ટર શ્રી દવે એ જણાવ્યું કે, દિવાળી સહિતના આગામી તહેવારોની સૌ નાગરિકોને શુભકામનાઓ. આ વખતની દિવાળી કોરોના મહામારીના વિશિષ્ટ સંજોગોમાં ઉજવાઇ રહી છે. કોરોના સંક્રમણનું જોખમ હજુ ટળ્યું ન હોય આ બાબતે પૂરતી કાળજી રાખવાની તાતી જરૂરીયાત છે. આ માટે સરકાર દ્વારા અવાર નવાર જે મૂળભૂત સૂચનાઓ આપવામાં આવે છે તેમનું ચુસ્ત પાલન કરવું ખૂબ જ જરૂરી છે.
કોવીડ-૧૯ના સંજોગોમાં માસ્ક પહેરવું એ ખૂબ જ જરૂરી છે. એટલું જ જરૂરી છે તેને સરખી રીતે પહેરવું. ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું પણ એટલું જ મહત્વનું છે. કારણ કે ભીડવાળી જગ્યાએથી કોરોના સંક્રમણ લાગવાની મોટી શકયતાઓ હોય છે. આવા સંજોગોમાં અનિવાર્ય કારણોસર બહાર જવું પણ પડે તો સામાજિક અંતર જાળવી રાખવું, માસ્ક પહેરવું અને સાથે રાખેલા સેનિટાઇઝરનો પણ વારંવાર ઉપયોગ કરતા રહેવું જરૂરી છે. કોરોના સંક્રમણથી બચવા વારંવાર સાબુથી હાથ ધોતા રહેવું જોઇએ.
તહેવારોમાં સગાવહાલાં-મિત્રો સાથે રૂબરૂ મેળાપ-મુલાકાત થાય તેવું આપણે ઇચ્છીએ છીએ. પણ અત્યારના વિશિષ્ટ સંજોગોને ધ્યાને રાખીને ફોન, વીડિયો કોલ વગેરેથી મળવાનો આનંદ મેળવી રૂબરૂ મળવાનું ટાળીએ ખૂબ જરૂરી છે. કોરોનાને ધ્યાનમાં રાખીને તમામ સાવચેતીઓ સાથે તહેવારોની ઉજવણી કરીએ એ કોરોના મહામારીના સમયની મહત્વની જરૂરીયાત છે.
#Sindhuuday Dahod