દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ખાતે ચાર યુવકોએ ધિંગાણું મચાવ્યું ઃ બે મહિલા સહિત ત્રણને મારક હથિયાર વડે માર મારતાં ત્રણેય ગંભીર
દાહોદ તા.૨૧
દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ખાતે ચાર જેટલા માથાભારે ઈસમોએ સામાન્ય બાબતે એક મહિલા સહિત ત્રણ જણા સાથે ઝઘડો તકરાર કરી એકદમ ઉશ્કેરાઈ જઈ બે મહિલા સહિત એકને પાવડાની મુદર, ચામડાના પટ્ટા, લાકડીઓ વડે તેમજ પથ્થરો વડે માર મારી ગંભીર ઈજાગ્રસ્ત ત્રણે જણાને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. આ ધિંગાણાના પગલે વિસ્તારમાં ફફડાટ પણ ફેલાઈ જવા પામ્યો હતો અને આ સંદર્ભે પોલીસમાં ફરિયાદ દાખલ થતાં પોલીસે આરોપીઓની ધરપકડના ચક્રો પણ ગતિમાન કરી દીધાનું જાણવા મળી રહ્યું છે.
ગલાલીયાવાડ વિસ્તારમાં રહેતા સચીનભાઈ રવીભાઈ સાંસી, શંકરભાઈ કૈલાસભાઈ સાંસી, ભોલાભાઈ કૈલાસભાઈ સાંસી, તથા કૃણાલભાઈ રવિભાઈ સાંસીનાઓ ગત તા.૧૯મી જાન્યુઆરીના રોજ તેમના જ વિસ્તારમાં રહેતા રંજનબેન પાસે આવ્યાં હતા અને કોઈ કારણોસર ઝઘડો તકરાર કરી બેફામ ગાળો બોલવા લાગ્યા હતાં જેથી રંજનબેને ગાળો બોલવાની ના પાડતાં એકદમ ઉશ્કેરાયેલ ઉપરોક્ત ચારેય જણા મારક હથિયારો સાથે ઘસી આવ્યાં હતા અને રંજબેનને પાવડાની મુદર ખભાના ભાગે, રાજાભાઈને ચામડા પટ્ટા વડે તેમજ પથ્થરો વડે માર માર્યો હતો અને તે બાદ લાકડીઓ વડે તેમજ માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ બાદ શંકરભાઈ અને કૃણાલભાઈ એકદમ ઉશ્કેરાઈ જઈ લાકડી વડે તથા ધારીયાની મુદર આરતીબેનને માથામાં મારી દેતાં આરતીબેન લોહીલુહાણ થઈ ગયાં હતાં. આ ચારેય ઈસમોએ ભારે ધિંગાણું મચાવતાં વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ સાથે જ ત્રણેયસ ઈજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં નજીકના દવાખાને ખસેડવામાં આવ્યાં હતાં.
આ સંબંધે ઈજાગ્રસ્તના સ્વજન જયંવંતીબેન રાજુભાઈ સાંસી દ્વારા સચીનભાઈ, શંકરભાઈ, ભોલાભાઈ તથા કૃણાલભાઈ વિરૂધ્ધ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
#Sindhuuday Dahod