રાજ્યની છ મહાનગપાલિકાઓમાં ભાજપનો કેસરિયો લહેરાયો : કોંગ્રેસના સૂપડા સાફ : વિકાસનો ‘વિજય’ અકબંધ : 6 મનપામાં ભાજપની ક્લિનસ્વિપ

(જી.એન.એસ)ગાંધીનગર,તા.૨૩
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પરિણામ આવી ગયું છે અને તમામ છ મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. અમદાવાદ, સુરત,રાજકોટ,વડોદરા,ભાવનગર અને જામનગરમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. કુલ ૫૭૬ બેઠકોમાંથી ભાજપને ૪૮૫, કોંગ્રેસને ૪૪ અને અન્યને ૩૫ વોર્ડમાં વિજય થયો છે. આમ ભાજપે ૪૮૧થી વધુ વોર્ડ જીતીને રેકોર્ડ સજ્ર્યો છે. ભાજપે ગત ચૂંટણીનો રેકોર્ટ તોડી નાખ્યો છે. ૨૦૧૫ની ચૂંટણીમાં ભાજપે ૩૮૯ પર જીત મેળવી હતી.
કોંગ્રેસથી ફરી એકવાર મતદારોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું છે. તમામ જગ્યાએ સ્થાનિક ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસના સૂપડા સાફ થયા ગયા હોય તેવું ચિત્ર સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. તો સુરતમાં આમ આદમી પાર્ટીને સારી સફળતા મળી છે. મોંઘવારી, પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ સહિત સમગ્ર મુદ્દે કોંગ્રેસ મતદારોને પોતાના તરફ ખેંચવામાં નિષ્ફળ રહી છે.
કોંગ્રેસમાં આ હારથી ખળભળાટ મચી જવા પામ્યો છે અને રાજીનામાનો દૌર પણ શરુ થયો છે. અત્યાર સુધી અમદાવાદ, સુરત, રાજકોટ અને ભાવનગરના શહેર પ્રમુખોએ રાજીનામા ધરી દેતાં રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે. રાજ્ય ૧૪૪ વોર્ડની ૫૭૬ બેઠકો માટે ગત ૨૧મી ફેબ્રુઆરીએ મતદાન યોજાયુ હતું. જેમાં સરેરાશ ૪૫ ટકા જેટલું મતદાન થયું હતું.
આ વિજયને જાેતાં ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણી મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને પાર્ટી પ્રમુખ સીઆર પાટીલના નેતૃત્વમાં યોજાય તેવી સંભાવના પ્રબળ બની છે. ભાજપનું હાઇકમાન્ડ પણ આ ચૂંટણી પરિણામોથી ખુશ છે. રાજ્યના શહેરી મતદારોએ ભાજપને મત આપ્યા છે એ દર્શાવે છે કે ગુજરાતના શહેરીજનો હજી પણ કોંગ્રેસને જાકારો આપી રહ્યા છે. રાજ્યમાં ૨૦૦૨ પછી આવેલી તમામ નાની-મોટી ચૂંટણીમાં કોંગ્રેસને ભારે પછડાટ મળી છે. રાજ્યના રાજકારણમાં કોંગ્રેસના વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી ઊભરી રહી છે. કોંગ્રેસની જાે આવી જ કારમી હાર રહી તો ૨૦૨૨ની ચૂંટણીમાં ભાજપનો સીધો મુકાબલો કોંગ્રેસ સાથે નહીં, પરંતુ આમ આદમી પાર્ટી સાથે થશે.
શહેરી વિસ્તારોમાં કોંગ્રેસ વધુને વધુ કમજાેર બનતી જાય છે. આ ચૂંટણીના પરિણામોની અસર ગ્રામ્ય વિસ્તારમાં આવી રહેલી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં થવાની પૂરેપૂરી સંભાવના છે. કોંગ્રેસ સળગતા મુદ્દાઓને જનતા સુધી લઈ જઈ શકી નથી. છેલ્લી ઘડીએ ટિકિટ આપવામાં આવતાં ઉમેદવારોને ચૂંટણી પ્રચાર તો ઠીક કોંગ્રેસના ઉમેદવારોને ઉમેદવારી પત્ર ભરવાનો સમય મળ્યો નથી, પરિણામે ઘણી બેઠકો ભાજપ બિનહરીફ જીતી ગયું છે. વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો કરુણ રકાસ થયા પછી મહાનગરોની આ ચૂંટણીમાં કોંગ્રેસને મોટી નામોશી મળી છે. તમામ છ મહાનગરોમાં ભાજપે ફરીથી સત્તા હાંસલ કરી છે. સ્થાનિક ચૂંટણીમાં હાર પછી વિપક્ષના નેતા અને પ્રદેશપ્રમુખ તેમના હોદ્દાને ટકાવી રાખવામાં સફળ થશે કે તેમ જ મોટું પ્રશ્નચિહન છે. સામે પક્ષે કોંગ્રેસે નવસર્જન કરવું પડશે.
અમદાવાદ
અમદાવાદમાં પણ ભાજપે કોંગ્રેસના સૂપડા સાફ કરી દીધા છે. અમદાવાદ મનપામાં ભાજપનો મેયર બનશે તે નક્કી થઇ ગયું છે. વાત કરીએ તો ૧૯૨ સીટોમાંથી ભાજપે ૧૬૧ બેઠકો પર જીત મેળવી છે. જ્યારે અમદાવાદમાં પણ કોંગ્રેસનો દેખાવ નિરાશાજનક રહ્યો છે. કોંગ્રેસને ફક્ત ૧૪ વોર્ડમાં જ જીત મળી છે. જ્યારે અન્યને ૧ વોર્ડમાં વિજય મળ્યો છે.
સુરત
સુરત મનપામાં સત્તા જાળવી રાખવામાં ભાજપ સફળ ચોક્કસ થયું છે. પરંતુ અહિંયા આમ આદમી પાર્ટીએ અભૂતપૂર્વ દેખાવ કર્યો છે. કુલ ૧૨૦ બેઠકોમાંથી ભાજપે ૯૩ બેઠકો પર વિજય હાંસિલ કર્યો છે. અહિંયા સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે પાટીદારોના ગઢ સુરતમાં કોંગ્રેસ ખાતુ પણ ખોલાવી નથી શકી. જ્યારે આમ આદમી પાર્ટીને ૨૭ બેઠકો પર વિજય મળ્યો છે.
રાજકોટ
રાજ્યના સીએમ વિજય રૂપાણીના શહેર રાજકોટમાં ભાજપે કોંગ્રેસના સૂપડાં સાફ કરી દીધા છે. અહિંયા તો જાણે સ્ટ્રીમ રોલર ફરી વળ્યું હોય તેવું દેખાઇ રહ્યું છે. કુલ ૭૨ વોર્ડમાંથી ભાજપે ૬૮ વોર્ડમાં ઐતિહાસિક વિજય મેળવ્યો છે જ્યારે કોંગ્રેસને ફક્ત ૪ વોર્ડમાં વિજય પ્રાપ્ત થયો છે.
વડોદરા
વડોદરામાં પણ ભાજપે જબરદસ્ત દેખાવ કર્યો છે. જેમાં કુલ ૭૬ બેઠકોમાંથી ભાજપે ૬૫ પર વિજય મેળવ્યો છે. જ્યારે કોંગ્રેસને ૭ બેઠકો પર વિજય મળ્યો છે. અહિંયા પણ કોંગ્રેસની સ્થિતિ અત્યંત ખરાબ રહી હતી.
જામનગર
જામનગર મહાનગરપાલિકામાં ભાજપે સત્તા જાળવી રાખી છે. જેમાં કુલ ૬૪ વોર્ડમાંથી ભાજપે ૫૦ વોર્ડમાં વિજય મેળવ્યો છે. જ્યારે કોંગ્રેસને ફાળે ૧૧ અને અન્યના ફાળે ત્રણ વોર્ડ ગયા છે.
ભાવનગર
ભાવનગર મનપામાં પણ કેસરિયો જ લહેરાયો છે. તેમાં કુલ ૫૨ વોર્ડમાંથી ૪૪ વોર્ડમાં ભાજપનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસને ફાળે ૮ વોર્ડ ગયા છે.
આપ-બસપાની ગુજરાતમાં એન્ટ્રી
ગુજરાતના રાજકારણમાં આપની સાથે બસપાની પણ એન્ટ્રી થઈ. જામનગરમાં ૩ બેઠકો પર બસપાનો વિજય થયો છે. વોર્ડ નંબર ૬ માં એક બેઠક પર ભાજપ અને ૩ બેઠક પર બસપાની જીત થઈ છે. વોર્ડ નંબર ૬માં ભાજપનો ગઢ તૂટ્યો. ૩ બેઠક બહુજન સમાજ પાર્ટીને ફાળે ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: