દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના બે બનાવોમાં બે ના મોત
દાહોદ તા.૨૦
દાહોદ જિલ્લામાં ફરીવાર વાહન ચાલકોની ગફલત અને બેદરકારીના કારણે સર્જાયેલ માર્ગ અકસ્માતના બનેલા બે બનાવોમાં બે વ્યક્તિઓના મોત નીપજ્યાનું જ્યારે એકને ઈજાઓ પહોંચતા આ સંબંધે જે તે પોલીસ મથકે ફરિયાદ નોંધાયાનું જાણવા મળી રહ્યું છે.
માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ દાહોદ તાલુકાના કઠલા ગામે ઈન્દૌર - અમદાવાદ નેશનલ હાઈવે ખાતે ગત તા.૧૯મી માર્ચના રોજ બનવા પામ્યો હતો જેમાં એક ટ્રેલરના ચાલકે પોતાના કબજાનું ટ્રેલર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ત્યાંથી પસાર થઈ રહેલ ટ્રેક્ટરને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારતાં ટ્રેક્ટર પલ્ટી ખાઈ ગયું હતું અને જેને પગલે ટ્રેક્ટરના ચાલક બંસીલાલ હરકારામ બેનીવાલ (રહે. (મધ્યપ્રદેશ) ની ઉપર ટ્રેક્ટરનું આગલું વ્હીલ ચઢી જતાં તેઓનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ સંબંધે મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં મહારાજપુર ગામે રહેતા ગોવિંદસિંહ ચંદનસિંહ પરિહાર દ્વારા કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરીછે.
માર્ગ અકસ્માતનો બીજાે બનાવ લીમખેડા તાલુકાના ચીલાકાટા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૧મી માર્ચના રોજ પપ્પુભાઈ પારૂભાઈ ભાભોર (રહે. ચીલાકોટા, ભુસ્કા ફળિયું, તા.લીમખેડા,જિ.દાહોદ) નાએ પોતાના કબજાની બોલેરો ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલ લીમખેડાના દાભડા ગામે સ્ટેશન ફળિયામાં રહેતા મુકેશભાઈની મોટરસાઈકલને જાેશભેર અટફેટમાં લઈ ટક્કર મારતાં મુકેશભાઈ અને પાછળ બેઠેલ જશવંતભાઈ જમીન પર ફંગોળાયા હતાં જેને પગલે બંન્નેને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડાતાં મુકેશભાઈની ગંભીર ઈજાઓને પગલે તેઓનું ગતરોજ મોત નીપજ્યું હતું જ્યારે જશવંતભાઈ સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સંબંધે લીમખેડા તાલુકાના દાભડા ગામે સ્ટેશન ફળિયામાં રહેતા અર્જુનભાઈ રામસીંગભાઈ બીલવાળ દ્વારા લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

