દાહોદ જિલ્લામાં પોલીસે ૦૬ જુદી જુદી જગ્યાએ પ્રોહી રેડ કરી કુલ રૂા.૬,૯૫,૪૫૫ નો પ્રોહી જથ્થો કબજે કર્યાે
દાહોદ તા.૨૮
દાહોદ જિલ્લામાં હોળી, ધુળેટીના તહેવારમાં વિદેશી દારૂનો ધંધો કરતાં બુટલેગરો અને હેરાફેરી કરતાં ઈસમો બેફામ બન્યાં છે ત્યારે પોલીસે આવા તત્વો ઉપર લગામ કસી વિતેલા ચોવીસ કલાકની અંદર ૦૬ જુદી જુદી જગ્યાએ પ્રોહી રેડ દરમ્યાન કુલ રૂા.૬,૯૫,૪૪૫ નો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. બે જેટલા ફોર વ્હીલર વાહનો પણ કબજે કર્યાં છે ત્યારે ઘણા બનાવોમાં બુટેલગરો તેમજ ખેપીયાઓ પોલીસને ચકમો આપી નાસી ગયાનું જાણવા મળી રહ્યું છે.
પ્રોહીનો પ્રથમ બનાવ લીમખેડા તાલુકાના પાણીયા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૨૭મી માર્ચના રોજ એક હુન્ડાઈ ફોર વ્હીલર ગાડીનો ચાલક પોતાના કબજાની ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો લઈ પસાર થઈ રહ્યો હતો તે સમયે નાકાબંધીમાં ઉભેલ પોલીસને જાેઈ ગાડી સ્થળ પર મુકી નાસી જતાં પોલીસે ગાડીમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ. ૨૮૮ કિંમત રૂા.૨૮,૮૦૦ તેમજ ગાડીની કિંમત મળી કુલ રૂા.૧,૨૮,૮૦૦નો મુદ્દામાલ કબજે કરી લીમખેડા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રોહીનો બીજાે બનાવ ઝાલોદ તાલુકાના થેરકા ગામે બનવા પામ્યો હતો જેમાં થેરકા ગામે રૂઢી ફળિયામાં રહેતા રામસીંગભાઈ સુરતાનભાઈ કલારા અને વિદેશી દારૂનો જથ્થો પુરો પાડનાર ઈસમ એમ બંન્ને જણા આ સ્થળ પર રામસીંગભાઈના મકાનમાં વિદેશી દારૂનો ખુલ્લેઆમ વેપલો કરતાં હોવાની પોલીસને બાતમી મળતાં પોલીસે ગતરોજ તેના રહેણાંક મકાનમાં ઓચિંતો છાપો મારતાં બંન્ને જણા પોલીસને જાેઈ નાસી ગયાં હતાં. પોલીસે મકાનની તલાસી લેતાં તેમાંથી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો જાેઈ પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસ મકાનમાંથી ૬૨ નંગ પેટીઓ જેમાં કુલ બોટલો નંગ.૨૧૧૨ કિંમત રૂા.૨,૬૬,૮૮૦ નો જંગી વિદેશી દારૂનો જથ્થો કબજે લઈ ઝાલોદ તાલુકા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રોહીનો ત્રીજાે બનાવ દેવગઢ બારીઆ તાલુકાના બૈણા ગામે બનવા પામ્યો હતો જેમાં બૈણા ગામે નિશાળ ફળિયામાં રહેતા નટવરસિંહ શાંકાભાઈ બારીઆના મકાનમાં પોલીસે ઓચિંતો છાપો મારતાં પોલીસે નટવરસિંહની અટકાયત કરી હતી અને મકાનની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ અને બિયરની નાની મોટી બોટલો નંગ.૪૪૫ કિંમત રૂા.૫૪,૧૭૫નો પ્રોહી જથ્થો કબજે કરી ઉપરોક્ત ઈસમ વિરૂધ્ધ દેવગઢ બારીઆ પોલીસે પ્રોહીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રોહીનો ચોથો બનાવ દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ગામે બનવા પામ્યો હતો જેમાં ગલાલીયાવાડ ગામે રહેતો શંકરભાઈ કૈલાશભાઈ સાંસી પાસેથી પોલીસે મીણીયાના થેલામાં ભરી રાખેલ વિદેશી દારૂની બોટલો નંગ.૧૬૦ કિંમત રૂા.૨૭,૧૮૦ના પ્રોહી જથ્થા સાથે શંકરભાઈને દાહોદ તાલુકા પોલીસે ઝડપી પાડી પ્રોહીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રોહીનો પાંચમો બનાવ દાહોદ તાલુકાના ખંગેલા ગામે બનવા પામ્યો હતો જેમાં ખંગેલા ગામે મોટા ફળિયામાં રહેતા લીલાબેન જાેગસીંગભાઈ મેડા અને જાેગસીંગભાઈ પીદીયાભાઈ મેડા આ દંપતિ પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો વેપલો કરતાં હોવાની પોલીસને બાતમી મળતાં પોલીસે ગતરોજ ઓચિંતો છાપો મારતાં લીલાબેન પોલીસને હાથે ઝડપાઈ ગયાં હતાં જ્યારે જાેગસીંગભાઈ મેડા પોલીસને ચકમો આપી નાસી ગયાં હતાં. પોલીસે મકાનની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ.૨૮૧ કિંમત રૂા.૩૯,૯૫૦ ના પ્રોહી જથ્થા સાથે ઉપરોક્ત દંપતિ વિરૂધ્ધ કતવારા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રોહીનો છઠ્ઠો બનાવ ઝાલોદ તાલુકાના મોટી હાંડી ગામે બનવા પામ્યો હતો જેમાં મોટીહાંડી ગામે ધામણખોબરા ફળિયામાં રહેતા બાબુભાઈ બચુભાઈ નીનામાએ પોતાના મકાનમાં વિપુલ પ્રમાણ વિદેશી દારૂ વેચાણ કરવાના ઈરાદાથી રાખ્યો હોવાની બાતમી પોલીસને મળતાં પોલીસે ગતરોજ તેના રહેણાંક મકાનમાં ઓચિંતો છાપો મારતાં બાબુભાઈ પોલીસને જાેઈ નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે મકાનની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ પેટીઓ નંગ.૫૫ બોટલો નંગ.૧૯૮૦ કિંમત રૂા.૨,૭૮,૪૬૦ નો પ્રોહી જથ્થો કબજે લઈ લીમડી પોલીસે ઉપરોક્ત ઈસમ વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી તેના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.