ફતેપુરાના નાના સરણૈયા ગામે પતિએ પત્નિને મોતને ઘાટ ઉતારતાં ચકચાર
દાહોદ તા.3
ફતેપુરા તાલુકાના નાના સરનેયા ગામે ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં એક ઈસમે લાકડા કાપવા બાબતે બોલાચાલી કરી આવેશમાં આવી જઈ એક 57 વર્ષીય વૃદ્ધાને માથાના ભાગે કુહાડીની મુદર મારી ઘટનાસ્થળ પર જ મોતને ઘાટ ઉતારી દેતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
ગત તારીખ ૧ મેના રોજ નાના સરનેયા ગામે રહેતા માનસિંગભાઈ માલાભાઈ ડામોરે પોતાના જ ગામમાં રહેતી એક 57 વર્ષીય વૃદ્ધા કમલીબેન માનસિંગભાઈ ડામોરના ઘરે ગયો હતો અને ત્યાં જઈ ખેતરના સેઢા ઉપર ગાન્ડા બાવળાના લાકડા કાપવા બાબતે કમળીબેન સાથે ઝઘડો તકરાર કરી એકદમ ઉશ્કેરાઇ જઇ આવેશમાં આવી પોતાની સાથે લાવેલ કુહાડીની મુદર કમલીબેનને માથાના પાછળના ભાગે મારી ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચાડતા કમલીબેનના પ્રાણ પંખેરુ ઘટનાસ્થળ પર જ ઉડી ગયા હતા.
આ સંબંધે નાના સરનેયા ગામે રહેતા પ્રવેશભાઈ માનસિંગભાઈ ડામોરે ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.