ઝાલોદ તાલુકાના કારઠ ગામે એક ખાનગી ક્લીનીકમાંથી રેપીટ ટેસ્ટની કીટ ઝડપાઈ : બે જણા વિરૂધ્ધ ગુનો દાખલ
દાહોદ તા.૩
ઝાલોદ તાલુકાના કારઠ ગામે આવેલી એક ખાનગી ક્લિનિકનો ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં ક્લિનિકના તબીબ દ્વારા પોતાના ક્લિનિકમાં ગેરકાયદેસર રીતે સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવેલી બાયો કાર્ડ pro covid-19 રેપિડ એન્ટીજન કીટ રાખી તથા રેપિડ ટેસ્ટ કરવાની વધારે કિંમત વસૂલતા આ અંગેની જાણ ઝાલોદના આરોગ્ય ખાતાના હેલ્થ ઓફિસરને થતા તેઓએ પોલીસને સાથે રાખી આ ક્લિનિક ઓચિંતી રેડ કરતા પોલીસે આ ક્લિનિકના તબીબને ઝડપી પાડયો હતો તેની પૂછપરછ કરતા આ રેપિડ ટેસ્ટ કીટનો જથ્થો ઝાલોદ તાલુકાના ગોવિડના એક નોડલ ઓફિસરે આપ્યો હોવાનું ખુલાસો કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે ત્યારે પોલીસે બંને વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કોરોના મહામારી મામલે દાહોદ જિલ્લો પણ બાકાત રહ્યો નથી ત્યારે બીજી તરફ છેલ્લા કેટલાક દિવસથી જિલ્લામાં રેપિડ ટેસ્ટ ખૂટી જવાની ભારે બૂમો ઉઠવા પામી છે અને જેને પગલે રેપિડ ટેસ્ટ કરાવવા લોકોને ધરમના ધકકા ખાવા પડી રહ્યા છે તેમજ લોકો હેરાન પરેશાન પણ થઈ રહ્યા છે. રેમડેસીવર ઇન્જેક્શનની કાળાબજારી થતી હોવાની પણ છડેચોક બૂમો વચ્ચે હવે તો રેપિડ ટેસ્ટ કીટની પણ કાળાબજારી થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. આવો જ એક બનાવ ઝાલોદ તાલુકાના નાનકડા ગામ એવા કારઠ ગામે સામે આવ્યો છે જેમાં ગત તારીખ બીજી મેના રોજ કારઠ સામે આવેલ શ્રદ્ધા સબુરી ક્લિનિકમાં કરણભાઈ અરવિંદભાઈ દેવડા (રહે.કારઠ રોડ, લીમડી અમીકુંજ સોસાયટી, તાલુકો ઝાલોદ,જિલ્લો દાહોદ) નો પોતાના ક્લિનિકમાં ગેરકાયદે રીતે સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવેલી બાયોકાર્ડ પ્રો covid-19 રેપિડ એન્ટીજન કીટ રાખી તેમજ રેપિડ ટેસ્ટ કરવાની વધારે કિંમત વસૂલ તો હતો જે અંગેની જાણ ઝાલોદ તાલુકા આરોગ્ય અધિકારી ધીરેન્દ્રકુમાર હનુમાનપ્રસાદ પાંડેને થતા તેઓએ આ બાબતની જાણ પોલીસને કરી હતી અને પોલીસને સાથે ગત તારીખ ૨જી મેના રોજ આ ક્લિકમાં ઓચિંતો છાપો મારી સરકાર દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલ રેપિડ ટેસ્ટ કરવાની કીટનો જથ્થો ઝડપી પાડયો હતો. આ બાબતે અટકાયત કરવામાં આવેલ કરણભાઈની પોલીસે પૂછપરછ કરતાં કીટ ક્યાંથી અને કોની પાસેથી લાવેલ, તેમ પૂછતાં કરણભાઈએ જણાવેલ કે, ઝાલોદ તાલુકાના covidના નોડલ ઓફિસર ધર્મેશ વી. ચૌહાણ ( આર.બી એસ.કે.મેડિકલ ઓફિસર) પાસેથી લાવેલ હોવાનું જણાવ્યું હતું.
લીમડી પોલીસે આ સમગ્ર મામલે કરણભાઈ અરવિંદભાઈ દેવડા અને ઝાલોદ તાલુકાના covid ઓફિસર ધર્મેશભાઈ વી.ચૌહાણ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.