દાહોદ તાલુકાના બોરવાણી ગામે એક યુવકને ૦૨ લાખની લોન પાસ થઈ હોવાની લાલચ આપી એક ઠગે રૂા.૭૩ હજાર પડાવી લીધા
દાહોદ તા.૩૧
દાહોદ તાલુકાના બોરવાણી ગામના એક યુવકના મોબાઈલ ફોન પર એક વ્યક્તિનો ફોન આવ્યો અને પોતાની ૦૨ લાખની બજાજ ફાઈનાન્સની લોન પાસ થઈ હોવાનું જણાવી લોન મેળવવા અલગ અલગ પ્રોસેસ બતાવી જુદા જુદા સમયગાળામાં કુલ રૂા.૭૩,૬૪૯ અલગ અલગ ખાતામાં ભરાવી આ નાણાં પડાવી લેતાં પોતાની સાથે વિશ્વાસઘાત, છેતરપીંડી થઈ હોવાની ફરિયાદ લઈ યુવક પોલીસ મથકે પહોંચ્યો હતો.
બોરવાણી ગામે માવી ફળિયામાં રહેતાં અજયભાઈ બદિયાભાઈ સંગાડાના મોબાઈલ ફોન પર ગત તા.૦૯.૦૪૨૦૨૧ના રોજ એક મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો અને પોતાનું નામ અંશુમન સાહું જણાવ્યું હતું. આ અંશુમને અજયભાઈ સાથે વાતચીત કરી જણાવ્યું હતું કે, તમોને બજાજ ફાઈનાન્સમાં રૂપીયા ૦૨ લાખની લોન પાસ થયેલ છે જેની અલગ અલગ પ્રોસેસ અજયભાઈને બતાવી તારીખ ૦૯.૦૪.૨૦૨૧ થી તારીખ ૨૨.૦૫.૨૦૨૧ દરમ્યાન તુટક, તુટક કુલ રૂા.૭૩,૬૪૯ અલગ અલગ બેન્ક ખાતામાં ભરાવી આ રૂપીયા પડાવી લેતાં અને કોઈ લોન પાસ ન થતાં આખરે અજયભાઈ બદિયાભાઈ સંગાડાને પોતાની સાથે વિશ્વાસઘાત, છેતરપીંડી તેમજ ઠગાઈ થઈ હોવાનું જણાતાં તેઓ દાહોદ તાલુકા પોલીસ મથકે પહોંચી ગયાં હતાં અને અંશુમન સાહું નામક વ્યક્તિ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.