બાગ બગીચાઓના દરવાજે લાંબા સમયથી લટકતાં તાળાં પણ ખોલવામાં આવ્યાં : દાહોદ શહેરમાં લાંબા સમયથી બંધ મંદિરો ખુલતાં જ ભક્તોની ચહલ પહલ જાેવા મળી
દાહોદ તા.૧૧
દાહોદ શહેર સહિત જિલ્લામાં ૫૮ દિવસો પછી આજે એટલે કે, તારીખ ૧૧મી જુનથી મંદિરો દર્શન માટે ખોલવામાં આપ્યા હતા તેની સાથે-સાથે બાગ બગીચા, જીમ સેન્ટર થિયેટર વિગેરે પણ ખુલતા લોકોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી. આ તમામ સ્થળો સરકારની ગાઇડ લાઇન મુજબ પ્રમાણે ખોલવામાં આવ્યા હતા. મંદિરો પુનઃ ખુલતા શ્રધ્ધાળુઓમાં આનંદ ફેલાયો છે.
ગુજરાત રાજ્યમાં ગત માર્ચ - એપ્રિલ મહિનામાં કોરોનાનું સંક્રમણ ખુબજ તેજ ગતિથી વધી રહ્યું હોઈ સરકાર દ્વારા મીની લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું જે દરમ્યાન રાજ્યના તમામ નાના - મોટા ધાર્મિક સ્થાનો બંધ કરવાની પણ ગાઈડલાઈન બહાર પાડી હતી જેના અનુસંધાને દાહોદ શહેર સહિત જિલ્લાના ઘણા મંદિરો છેલ્લા બે માસથી બંધ હતાં. બે મહિના બાદ કોરોના સંક્રમણ મંદ પડતા હવે રાજ્ય સરકાર દ્વારા મંદિર સહિતના ધાર્મિસ્થાનો, જીમ, બાગ, બગીચા વિગેરે ખોલવાની મંજુરી આપવામાં આવી છે. સતત ૫૮ દિવસ સુધી મંદિર બંધ રહ્યાં બાદ આજથી મંદિર ખુલવાનું હોઈ શ્રધ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે બીજી તરફ મંદિરો ખુલવાના સમાચાર મળતાં વેપારીઓએ પણ રાહતનો શ્વાસ લીધો છે. આ સાથે જીમ, થીએટર, બાગ, બગીચા વિગેરે પણ સરકારી ગાઈડ લાઈન અનુસાર ખુલનાર છે અને સરકારી કોરોના ગાઈડ લાઈનનું સંપુર્ણપણે પાલન કરવાનું રહેશે. મંદિરમાં દિવસ દરમ્યાન થતીં મંગળા સહિતની આરતીના દર્શન કરવાનું વિશેષ મહત્વ હોવાથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડતાં હોય છે ત્યારે ગાઈડલાઈનને ધ્યાનમાં રાખી આરતીના સમયે ભક્તોના પ્રવેશ અપાશે નહીં. આ ઉપરાંત મંદિરમાં ૫૦ શ્રધ્ધાળુઓ દર્શન કરી રહ્યાં બાદ અન્ય ૫૦ને પ્રવેશ આપવામાં આવશે તેજ પ્રમાણે જીમ, થીએટર, બાગ, બગીચામાં પણ ભીડભાડ ન થાય અને સોશીયલ ડિસ્ટન્સનું પાલન થાય તે પ્રમાણે પ્રવેશ આપવામાં આવ્યો હતો અને તમામ તકેદારીને ધ્યાનમાં રાખી ખોલવામાં આવી હતી.
મંદિરો ખુલતા છેલ્લા ઘણા સમયથી ભગવાનની પૂજા અર્ચના તેમજ દર્શનથી વંચિત રહેલા લોકોએ ભગવાનની ભક્તિનો લાભ લીધો હતો. કોરોના કાળમાં બંધ પડેલા બાગ બગીચામાં રોનક જોવા મળી હતી. છેલ્લા ઘણા સમયથી વયોવૃદ્ધ લોકો ઘરમાં રહેતા હતા ત્યારે બાગ બગીચા ખુલતા તેઓ ટહેલતા નજરે પડ્યા હતા. લોકો ગરમીથી બચવા માટે બહાર નીકળી રહ્યા છે બીજી તરફ જીમ ખાના પણ ખુલતા કસરત કરતાઓ પણ રાબેતા મુજબ જીમ જવા લાગ્યા છે.