બિહાર વિધાનસભા અધ્યક્ષનો મોટો ર્નિણય : વેક્સીન ના લગાવનારા ધારાસભ્યોને વિધાનસભામાં પ્રવેશ નહી મળે
(જી.એન.એસ.)પટણા,તા.૨૪
બિહાર વિધાનસભામાં તે ધારાસભ્યોને જ પ્રવેશ આપવામાં આવશે, જેમણે કોરોનાની રસીનો ડોઝ લીધો છે. વિધાનસભા અધ્યક્ષ વિજય કુમાર સિન્હાએ નવો આદેશ જાહેર કર્યો છે. બિહારમાં કેટલાક દિવસમાં જ વિધાનસભાનું મોનસૂન સત્ર શરૂ થઇ શકે છે, એવામાં જે ધારાસભ્યોએ વેક્સીનના ડોઝ નથી લીધા તેમને મુશ્કેલી થઇ શકે છે.
વિધાનસભા અધ્યક્ષ વિજય કુમાર સિન્હાના આ આદેશની સૌથી વધુ તકલીફ વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવ અને તેજ પ્રતાપ યાદવને થઇ શકે છે. બન્નેએ હજુ સુધી વેક્સીન લીધી નથી. તેજસ્વી યાદવે કહ્યુ કે તે વેક્સીન લેનારા અંતિમ વ્યક્તિ હશે, તેમનો વિચાર છે કે પહેલા સામાન્ય જનતાનું રસીકરણ થઇ જાય.
સ્પીકર વિજય કુમાર સિન્હાએ મોનસૂન સત્ર પહેલા તમામ ધારાસભ્યોને સહપરિવાર રસી લેવાની અપીલ કરી છે. સાથે જ પોતાના વિસ્તારના લોકોને પણ રસી લગાવવા માટે પ્રોત્સાહિત કરવાનો આગ્રહ કર્યો છે, તેમણે કહ્યુ કે જે ધારાસભ્યના સૌજન્યથી તેમના વિસ્તારમાં ૮૦ ટકાથી વધુ રસી લગાવવામાં આવી છે તેમણે વિધાનસભા તરફથી સમ્માનિત કરવામાં આવશે.
સ્પીકર વિજય સિન્હાએ કહ્યુ કે કોરોનાથી બચવા માટે રસી જ સર્વોત્તમ સુરક્ષા કવચ છે, જન-પ્રતિનિધિ હોવાને કારણે અમારી જવાબદારી વધી જાય છે.