પોર્નોગ્રાફી કેસ : રાજ કુંદ્રાની મુશ્કેલી વધી, ૨૭ જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલાયો
(જી.એન.એસ.)મુંબઇ,તા.૨૩
અશ્લીલ વીડિયો બનાવવાના કેસમાં ફસાયેલ શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રાની પોલીસ કસ્ટડીનો સમયગાળો ૨૭ જુલાઈ સુધી લંબાવાયો છે.
સોમવારે મોડી રાત્રે ક્રાઇમ બ્રાંચની તપાસ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. રાજની ધરપકડ પૂર્વે મડ આઇલેન્ડ પરના એક બંગલા પર દરોડો પાડવામાં આવ્યો હતો જ્યાંથી ક્રાઈમ બ્રાંચે કેટલાક લોકોને અશ્લીલ વીડિયો શૂટ કરતી વખતે રંગે હાથ ઝડપી પાડ્યા હતા.
૨૩ જુલાઇ શુક્રવારે રાજના પોલીસ રિમાન્ડ સમાપ્ત થઈ રહ્યા હતા. પોલીસે પૂછપરછ માટે વધુ સાત દિવસની કસ્ટડી માંગી હતી. જેના પર કોર્ટે પોલીસ રિમાન્ડ ૨૭ જુલાઇ સુધી વધાર્યા હતા. કુંદ્રાની સાથે રાયન થારપની પોલીસ કસ્ટડી પણ વધારી દીધી છે.
મુંબઈ પોલીસને શંકા છે કે રાજે અશ્લીલ કમાણી દ્વારા મેળવેલા નાણાંનો ઉપયોગ ઓનલાઇન સટ્ટા માટે કરાયો હતો. આથી રાજ કુંદ્રાના યસ બેંક ખાતા અને યુનાઇટેડ બેંક ઓફ આફ્રિકાના ખાતા વચ્ચેના ટ્રાન્ઝેક્શનની તપાસ કરવાની જરૂર છે. ક્રાઈમ બ્રાંચની ટીમ ફરીથી કુંદ્રાને ભાયકલા જેલમાં લઈ જશે. કસ્ટડી મેળવ્યા પછી, સામાન્ય રીતે મુંબઈ પોલીસ આરોપીને અહીં રાખે છે અને પૂછપરછ કરે છે.
ક્રાઈમ બ્રાંચનો આરોપ છે કે રાજ કુંદ્રા તપાસમાં સહકાર આપી રહ્યો નથી. તે પોલીસના પ્રશ્નોના યોગ્ય જવાબ આપી રહ્યો નથી. કોર્ટમાં હાજર થયા બાદ રાજ કુંદ્રાએ સ્પષ્ટતા કરી હતી કે તેમણે ઘણા દિવસો પહેલા પ્રદીપ બક્ષીને હોટશોટ એપ વેચી હતી. માહિતી માટે, તમને જણાવી દઈએ કે પ્રદીપ રાજનો સંબંધી છે.