દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના વટેડા ગામે હાઈવે પર અલ્ટો ફોર વ્હીલર ગાડીનું ટાયર ફાંટતાં ગાડી પલ્ટી ખાધી : ચાલકનું મોત : મહિલા ગંભીર
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૯
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના વટેડા ગામેથી પસાર થતાં હાઈવે માર્ગ પર એક અલ્ટો ફોર વ્હીલર ગાડીનું ટાયર ફાટતાં ગાડી પલ્ટી ખાઈ ગઈ હતી જેને પગલે અંદર સવાર મહિલાને શરીરે ઈજાઓ પહોંચી હતી જ્યારે ચાલકને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતા તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
અમદાવાદના નરોડા ખાતે રહેતાં ૫૫ વર્ષીય નરેન્દ્રસિંહ વિજયપ્રતાપસિંહ રાજપુત અને તેમની સાથે મંજુબેન એમ બંન્ને જણા ગત તા.૧૮મી ઓગષ્ટના રોજ પોતાના કબજાની અલ્ટો ફોર વ્હીલર ગાડીમાં સવાર થઈ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના વટેડા ગામેથી પસાર થઈ રહ્યાં હતાં. આ દરમ્યાન બપોરના ત્રણેક વાગ્યાના આસપાસ અલ્ટો ફોર વ્હીલર ગાડીનું ટાયર ફાટતાં ટાયર એક્સલમાંથી ટુટી ગયું હતું અને જાેતજાેતામાં અલ્ટો ફોર વ્હીલર ગાડી પલ્ટી ખાઈ ગઈ હતી જેને પગલે મંજુબેનને હાથના ભાગે ફેક્ચર થયું હતું જ્યારે નરેન્દ્રસિંહને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેઓને તાત્કાલિક નજીકના દવાખાને દવા સારવાર માટે ખસેડવામાં આવતાં નરેન્દ્રસિંહનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.
આ સંબંધે અમદાવાદ નરોડા વિસ્તાર ખાતે રહેતાં મયુરભાઈ નરેન્દ્રસિંહ રાજપુતે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.