દાહોદ જિલ્લાના લીમડી નગરમાં રણછોડરાય મંદીર મા તસ્કરો ત્રાટક્યા
દાહોદ તા.૨૬
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં ગતરાત્રીના સમયે તસ્કરોએ એક મંદિર સહિત ચાર જેટલા સ્થળોએ તરખાટ મચાવી કુલ રૂ.૨,૬૦,૦૦૦ની મત્તાનો હાથફેરો કરી લઈ જતા પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે સાથે સાથે પોલિસની નાઈટ પેટ્રોલીંગની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે ત્યારે આવા તસ્કરોને વહેલી તકે ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવે તેવી લાગણી અને માંગણી લીમડી નગરના રહીશોમાં ઉઠવા પામી છે.
ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં ગતરોજ મોડીરાત્રીના સમયે તસ્કરોએ લીમડી નગરમાં આવેલ એક મંદિર, એક ટાયરની દુકાન તેમજ બીજા બે સ્થળોએ હાથફેરો કર્યાે હતો. સૌ પ્રથમ તસ્કરોએ ઝાલોદ રોડ સ્થિત આવેલ રણછોડરાય મંદિરને નિશાન બનાવી મંદિરમાંથી ભગવાનનું મુકટ – ૨, ચાંદીનું પારણું – ૧, ચાંદીની વાસળી – ૧, ભગવાનના કાનના કડા ચાંદીના – ૪ નંગ, સોનાની ચેઈન ૨ તોલાની, સોનાની વીંટી ૨ નંગ., બીજા ૧૦ ગ્રામ જેટલા ચાંદીના દાગીનાની ચોરી કરી હતી બાદમાં આજ વિસ્તારમાં આવેલ હીંગળાજ ટાયર્સની દુકામાંથી તેમજ બીજા બે સ્થળો પણ ચોરી કરી તસ્કરોએ કુલ રૂ.૨,૬૦,૦૦૦ની મત્તાની ચોરી કરી નાસી ગયા હતા. આ સંબંધે લીમડી રણછોડરાય મંદિરના ટ્રસ્ટી દ્વારા લીમડી પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે તસ્કરોને ઝડપી પાડવા ઘનિષ્ઠ તપાસનો દોર આરંભ કરી દીધો છે