દાહોદ જિલ્લાના ધાવડીયા ચેકપોસ્ટ પાસેથી પોલીસે એક બોલેરો ગાડીમાંથી રૂા.૧.૫૦ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરોની મદદમાં પહોંચેલ સંજેલી પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ સામે પણ ગુનો દાખલ

દાહોદ તા.૧૬

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ધાવડીયા ચેકપોસ્ટ ખાતે ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં વિદેશી દારૂની હેરાફેરી કરી રહેલ બુટલેગરોની મદદમાં સંજેલી પોલીસ મથકના એક પોલીસ કર્મચારીએ બુટલેગરોની મદદ કરી રેડ કરતાં પોલીસ કર્મચારીઓની કાયદેસરની ફરજમાં રૂકાવટ ઉભી કરી અને પોલીસ કાફલાની સરકારી ગાડીને ટક્કર મારી હતી. સમગ્ર મામલે ઘટના સ્થળેથી પોલીસે એક બોલેરો ગાડીના ચાલકને ઝડપી પાડી રૂા. ૧,૫૪,૮૧૫ ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા. ૩,૦૪,૮૧૫ના મુદ્દામાલ સાથે સંજેલી પોલીસ મથકના ફરાર પોલીસ કોન્સ્ટેબલ સહિત કુલ ચાર વ્યક્તિઓ વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી તમામના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

ગત તા.૧૫મી જાન્યુઆરીના રોજ ઝાલોદ પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે ધાવડીયા ચેકપોસ્ટ ખાતે ઝાલોદ બાયપાસથી મેલણીયા આઈ.ટી.આઈ. ના તરફવાળા રસ્તે વોચ ગોઠવી ઉભી હતી. આ દરમ્યાન ત્યાંથી એક બોલેરો ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી. બોલેરો ગાડી નજીક આવતાંની સાથે પોલીસે ગાડી ઉભી રખાવવાની કોશીષ કરી હતી. આ દરમ્યાન ગાડીનો ચાલક રોહીતકુમાર દિનેશભાઈ રાવત (રહે. મોટા હાથીધરા, તા.લીમખેડા, જિ.દાહોદ) અને તેની સાથે પિન્ટુ ઉર્ફે નિતીનભાઈ રયલાભાઈ પરમાર (રહે. ધામણબારી, તા.સીંગવડ, જિ.દાહોદ) નાએ પોતાના કબજાની બોલેરો ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ફરજમાં ઉભેલ પોલીસ કર્મચારીની ગાડીને અડફેટમાં લીધી હતી અને પોલીસ કર્મચારીની ગાડીને નુકસાન પહોંચાડ્યું હતું. આ બાદ પિન્ટુભાઈ પોલીસને ચકમો આપી નાસી ગયો હતો જ્યારે પોલીસે ગાડીના ચાલક રોહીતકુમારને ઝડપી પાડ્યો હતો. આ દરમ્યાન સંજેલી પોલીસ મથકે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહેલ પ્રકાશભાઈ નરસીંગભાઈ નિનામાએ અને તેની સાથે વિદેશી દારૂ ભરી આપનાર ઠેકાના માલિક એમ આ બંન્ને જણાએ ઉપરોક્ત દારૂ ભરેલ બોલેરો ગાડીને રક્ષણ આપવા માટે અને બુટલેગરોને મદદરૂપ થવા માટે પોતાના કબજાની નંબર વગર આઈટેન ફોર વ્હીલર ગાડીમાં પાઈલોટીંગ કરતો હતો. પોલીસે ઝડપી પાડેલ બોલેરો ગાડીમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ. ૫૯૬ કિંમત રૂા. ૧,૫૪,૮૧૫ના પ્રોહી જથ્થા સાથે બોલેરો ગાડીની કિંમત મળી કુલ રૂા. ૩,૦૪,૮૧૫ના મુદ્દામાલ સાથે ચાલક રોહીતકુમારની અટકાયત કરી હતી જ્યારે તેને મદદરૂપ થનાર અને ફરાર એવા સંજેલી પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ અને તેમની સાથેના પિન્ટુભાઈ અને વિદેશી દારૂ ભરી આપનાર રાજસ્થાનના ઠેકાના માલિક વિરૂધ્ધ ઝાલોદ પોલીસ પ્રોહીનો ગુનો નોંધી ફરાર ઈસમોના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: