મહુધા વિધાનસભામાં રૂ. ૧૩.૨૫ કરોડના રોડ રિસરફેસિંગ કામનો પ્રારંભ કરાવતા રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા

નરેશ ગનવાણી નડિયાદ

મહેસુલ, પંચાયત અને આપત્તિ વ્યવસ્થાપન રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડાએ શનિવારે મહુધા વિધાનસભા મતવિસ્તારમાં કુલ રૂ. ૧૩.૨૫ કરોડના ખર્ચે થનારા રોડ રિસરફેસિંગ અને મજબૂતીકરણના કામોનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર સમગ્ર રાજ્યમાં રોડ-રસ્તાના વિકાસ માટે નોંધનીય કામગીરી કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ ખેડા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં વિકાસની અવિરત યાત્રા ચાલી રહી છે. રાજ્યમંત્રીએ રોડ-રસ્તાના કામોને પ્રાધાન્ય આપવા બદલ પ્રજા વતી મુખ્યમંત્રીનો વિશેષ આભાર માન્યો હતો. સાંપલા થી બિલોદરા રોડ રૂ. ૪.૨૪ કરોડના ખર્ચે ૬ કિ.મી.ના આ રોડનું રિસરફેસિંગ-મજબૂતીકરણ થશે. આનાથી સિંહુજ, મૂળજ, બગડું, ખૂંટજ, હજાતિયા, બિલોદરા અને સાંપલા સહિતના ગ્રામવાસીઓને વાહનવ્યવહારમાં સરળતા મળશે.
ગોઠાજ થી મૂળજ રોડ: રૂ.  ૯ કરોડના ખર્ચે ૧૦.૦૮ કિ.મી.ના આ રોડના મજબૂતીકરણની કામગીરી હાથ ધરાશે. જેનાથી મૂળજ, સાંપલા, બગડું, ખૂંટજ, દવાપૂરા, અરેરા, અંધજ, ખાંભલી સમસપુર અને ગોઠાજના ગામોને લાભ થશે. આ પ્રસંગે રાજ્યમંત્રીએ બુથ પ્રમુખ હિતેશભાઈ ભોજાણીના હસ્તે સાંપલા થી બિલોદરા રોડના રિસરફેસિંગની વિધિવત શરૂઆત કરાવી હતી. ખેડા માર્ગ અને મકાન સ્ટેટના ડીઈઈ વિવેકભાઈ જામે આભાર વિધિમાં જણાવ્યું હતું કે, મંત્રીએ ચૂંટાયા બાદ તરત જ આયોજનબદ્ધ રીતે આ રોડ-રસ્તાના કામોને સરકારમાં મંજૂર કરાવ્યા છે અને વિભાગ દ્વારા ગુણવત્તાસભર કામગીરીની ખાતરી આપવામાં આવી છે. મંત્રીએ મહુધા વિધાનસભાના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારના સહકારથી વિકાસયાત્રા સતત આગળ વધતી રહેશે તેવી ખાતરી આપી હતી. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રતિનિધિઓ, એ.પી.એમ.સી ચેરમેન, નગરપાલિકા પ્રમુખ, વિવિધ સંઘોના ચેરમેન, પૂર્વ પ્રમુખો, સરપંચો, જિલ્લા અગ્રણીઓ તેમજ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

3 thoughts on “મહુધા વિધાનસભામાં રૂ. ૧૩.૨૫ કરોડના રોડ રિસરફેસિંગ કામનો પ્રારંભ કરાવતા રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!