શ્રદ્ધાળુઓને શુદ્ધ ખોરાક મળે તે માટે વહીવટી તંત્ર સક્રિય: ૨૫ કિલો અખાદ્ય જથ્થો નાશ, ૯ દુકાનોને દંડ
નરેશ ગનવાણી નડિયાદ

ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને શુદ્ધ અને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે હેતુથી જિલ્લાના મુખ્ય ધાર્મિક અને પ્રવાસન સ્થળોની આસપાસની ફૂડ કોર્ટ તથા નાસ્તા-ભોજનની દુકાનોમાં ખાદ્ય સામગ્રીની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવા માટે એક વિશેષ ઝુંબેશ (ડ્રાઇવ) હાથ ધરવામાં આવી હતી.
ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના કાયદાનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા માટે આ ડ્રાઇવમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ, મામલતદાર, નગરપાલિકાના ચીફ ઓફિસર અને પોલીસ વિભાગના અધિકારીઓ સંયુક્ત રીતે જોડાયા હતા. ઝુંબેશના ભાગરૂપે, મહેમદાવાદ સ્થિત સુપ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિરની ફૂડ કોર્ટમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન, ખાદ્યપદાર્થોના ૨૫થી વધુ સેમ્પલ લેવામાં આવ્યા હતા. સ્થળ પર જ તપાસ કરતાં, આશરે ૨૫ થી ૩૦ કિલો જેટલો અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો, જેને વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે નાશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, યાત્રાધામ ડાકોરના રણછોડજી મંદિરના ગોમતીઘાટ આસપાસ આવેલી ખાણીપીણીની હોટલોમાં પણ સમાન ડ્રાઇવ યોજાઈ હતી. અહીં ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમે સેમ્પલિંગની કાર્યવાહી કરી હતી, જ્યારે નગરપાલિકાની ટીમે સ્વચ્છતાના નિયમોના ઉલ્લંઘન બદલ સ્થળ પર જ દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. કપડવંજ તાલુકામાં પણ મામલતદાર અને સ્થાનિક અધિકારીઓની હાજરીમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. સમગ્ર જિલ્લામાં કુલ ૨૨ દુકાનોમાં ચકાસણી કરવામાં આવી હતી, જેમાં ૯ દુકાનોમાંથી ખાદ્યપદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. સ્વચ્છતાના અભાવ અને નિયમોના ઉલ્લંઘન બદલ ૯ દુકાનોને નગરપાલિકા દ્વારા દંડ ફટકારવામાં આવ્યો હતો. જિલ્લા વહીવટી તંત્રએ જણાવ્યું હતું કે, શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ પ્રકારની ઝુંબેશ ભવિષ્યમાં પણ નિયમિત ધોરણે ચાલુ રાખવામાં આવશે. ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.


https://shorturl.fm/A8XFt