મધ્ય ગુજરાત પ્રદેશકક્ષા કલા મહાકુંભનો નડિયાદમાં શુભારંભ

નરેશ ગનવાણી નડિયાદ

શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, નડિયાદ ખાતે યુવા પ્રતિભાઓની કલાને યોગ્ય મંચ આપતા મધ્ય ગુજરાત પ્રદેશકક્ષા કલા મહાકુંભ ૨૦૨૫-૨૬નો  શુભારંભ કરવામાં આવ્યો છે.
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ખેડા-નડિયાદ દ્વારા આ સ્પર્ધાનું આયોજન થયું છે.
આ શુભારંભ પ્રસંગે મહેસુલ, પંચાયત અને આપત્તિ વ્યવસ્થાપન, રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા, નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, અને મહેમદાવાદના ધારાસભ્ય  અર્જુનસિંહ ચૌહાણે ઉપસ્થિત રહી યુવા કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા. સંત  નિર્ગુણદાસજી મહારાજ અને સંત  સત્યદાસજી મહારાજની પાવન ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભા વધારી હતી.  રાજ્યમંત્રી  સંજયસિંહ મહિડાએ જણાવ્યું હતું કે કલા મહાકુંભના માધ્યમથી ગુજરાતના યુવા કલાકારોની કલાને વૈશ્વિક મંચ પર ઓળખ મળી છે. તેમણે ઉમેર્યું હતું કે ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૭ થી આ મહાકુંભની શરૂઆત કરી, જેના થકી બાળ અને યુવા કલાકારોને પોતાના સંગીત, નૃત્ય, ચિત્ર અને સાહિત્ય કૌશલ્યને દુનિયા સમક્ષ પ્રસ્તુત કરવાનો અવસર મળ્યો છે. વર્ષ ૨૦૨૫માં કુલ ૩૦ સ્પર્ધાઓનું આયોજન કરીને રાજ્યની કલા સંસ્કૃતિનો પરિચય કરાવવામાં આવ્યો છે. ૧૦ જિલ્લાના ૩૫૦૦થી વધુ યુવા કલાકારો સહભાગી આ સ્પર્ધા ૦૫ ડિસેમ્બરથી ૦૭ ડિસેમ્બર ૨૦૨૫ સુધી ચાલશે. જેમાં મધ્ય ગુજરાત પ્રદેશમાં સમાવિષ્ટ મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ખેડા, આણંદ, વડોદરા શહેર, વડોદરા ગ્રામ્ય, મહીસાગર, દાહોદ અને પંચમહાલ એમ કુલ ૧૦ જિલ્લાના ૩૫૦૦થી વધુ યુવા કલાકારો ભાગ લેશે. પ્રથમ દિવસે જ ૧૫૦૦થી વધુ સ્પર્ધકોએ તેમની કલા પ્રતિભા રજૂ કરી હતી. વિવિધ કલા કૃતિઓની પ્રસ્તુતિ
સ્પર્ધાના પ્રથમ દિવસે કુલ ૦૬ સ્ટેજ પર ગરબા, વાયોલિન, વાંસળી, સિતાર, ગિટાર, કુચીપુડી, ઓડીસી, મોહિની અટ્ટમ, દુહા, છંદ, ચોપાઈ, કાવ્ય લેખન અને ગઝલ શાયરી લેખન જેવી કૃતિઓ રજૂ કરવામાં આવી. જેમાં “કૃષ્ણ ભગવાન ચાલ્યા દ્વારકા રે”, “કાનુડો કાળજાની કોર” અને “અમે મૈયારા રે ગોકુળ ગામના” જેવા લોકગીતો આધારિત કલા પ્રસ્તુતિએ શ્રોતાઓને કૃષ્ણ ભક્તિના રંગે રંગ્યા હતા.
રાજ્યમંત્રીએ નડિયાદની પવિત્ર ભૂમિમાં આ સુંદર આયોજન બદલ સૌ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!